Madhya Gujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 5243મો કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

આણંદ : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો 5243મો જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મટકીફોડ અને રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં હરિભક્તો, સંતો – મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શ્રીકૃષ્ણ ભગવાનનો 5243મો જન્મોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને સંતો ભક્તોએ સાથે મળીને ખૂબજ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. શ્રીકૃષ્ણ પરમાત્માના અવતરણ પૂર્વે શાસ્ત્રી શ્રીગુણસાગર સ્વામી વિરસદવાળાએ વ્યાસાસને બિરાજી કૃષ્ણચરિત્રામૃત કથાનું હજારો હરિભક્તોને રસપાન કરાવ્યું હતું. વડતાલ મંદિરના વિદ્યાર્થીઓ, સેવકો, સંતો, પાર્ષદો અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ રાસની રમઝટ બોલાવી હતી. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે , શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી. સમગ્ર ભારત સહિત વિદેશોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી ખૂબજ આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામીનો પણ જન્મદિવસ છે.

ખેડા જિલલાના યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પણ જન્માષ્ટમી પર્વની ઉજવણી ખૂબજ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ હતી. શ્રીકૃષ્ણ પરમાત્માના અવતરણ પૂર્વે મંદિરના ચોગાનમાં નાના ભૂલકાંઓ ધ્વારા રજુ કરવામાં આવેલા મણીયારો રાસ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. યુવા સંતો, પાર્ષદો પાઠશાળાના વિદ્યાથીઓ સહિત મંદિરના વિદ્યાર્થીઓએ રાસની રમઝટ બોલાવી હતી. આ સમયે હાજર સૌ હરિભક્તો ડી.જે.ના તાલે ઝૂમી રહ્યા હતા. પ્રભુના પ્રાગટ્ય ઉત્સવમાં દેવરાજ ઈન્દ્ર પણ મનમૂકીને વરસી રહ્યા હતા.

બહેનો વિભાગમાં બહેનોએ રાસની રમઝટ લીધી હતી. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે , સમગ્ર ભારત સહિત વિશ્વમાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યું છે. વડતાલ મંદિરમાં પણ ઉજવણીનો એક અનોખો માહોલ ઉભો થયો છે . એ માટે શ્યામવલ્લભ સ્વામીને ધન્યવાદ આપીએ છીએ. રાત્રે ૧૨:૦૦ ના ટકોરે આચાય મહારાજશ્રીએ મંદિરના દેરામાં શ્રીકૃષ્ણ ભગવાનની પૂજાવિધિ બાદ મહારાજશ્રીએ ફૂલોથી શણગારેલ સોનાના પારણામાં લાલજી પધરાવી પ્રભુ પ્રાગટ્યની આરતી ઉતારી પારણું ઝૂલાવ્યું હતું .

આરતી બાદ પ્રભુના વધામણાં કરવા માટે મંદિર પરિસર તથા ચોગાનમાં સંતો ધ્વારા ૪૫૦ કીલો ચોકલેટની ઉછામણી કરી હતી. વડતાલના યુવાનો ભક્તો તથા સેવકો દ્વારા ચોગાનમાં પીરામીડ બનાવી નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકીનાં નાદ સાથે મટકીઓ ફોડી માખણ મીસરી લૂંટી હતી . આ પ્રસંગે ઉપસ્થિત હરિભક્તોએ પંચાજીરીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી . જન્માષ્ટમી પર્વની ઉજવણી પ્રસંગે શા.નૌતમપ્રકાશદાસજી સંસ્કૃત પાઠશાળાના હરિઓમ સ્વામીએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું .સમગ્ર વ્સવ્સથા શ્યામવલ્લભ સ્વામીએ સંભાળી હતી.

Most Popular

To Top