યુકેના ઔષધ નિયંત્રકે એ વાતને સમર્થન આપ્યું છે કે જેમને કોવિડ-૧૯ સામે ઓકસફર્ડ-અસ્ટ્રાઝેનેકાની રસી અપાઇ છે તેવા સાત લોકોના કેસમાં લોહી ગંઠાવાથી મૃત્યુના બનાવ નોંધાયા છે, પણ નિયંત્રકે ભારપૂર્વક રસી સલામત હોવાનું જણાવ્યું છે અને જણાવ્યું છે કે રસી અને આ મૃત્યુઓ વચ્ચે કોઇ કડી જણાતી નથી.
મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીએ તેના કોરોનાવાયરસ રસીકરણ કાર્યક્રમના હાલના છેલ્લા યલો કાર્ડ મોનિટરિંગમાં આ સપ્તાહે જણાવ્યું છે કે યુકેમાં જેમને રસી અપાઇ હતી તેવા ૧૮.૧ મિલિયન લોકોમાંથી ૩૦ને લોહી ગંઠાવાની સમસ્યા થઇ હતી અને તેમાંથી સાતના મૃત્યુ થયા છે. ૨૪ માર્ચના આંકડાઓ આ જણાવે છે.
અમારી સઘન સમીક્ષામાં જણાયું છે કે યુકેમાં બહુ ઓછા બનતા અને ચોક્કસ પ્રકારના લોહી ગંઠાઇ જવાના બનાવો બન્યા છે. ૨૪ માર્ચ સુધીમાં સેરિબ્રલ વેનસ સાઇનસ થ્રોમ્બોસિસના ૨૨ રિપોર્ટ અને અન્ય થ્રોમ્બોસિસ ઘટનાઓના ૮ રિપોર્ટ મળ્યા છે. તે તારીખ સુધીમાં કુલ ૧૮.૧ મિલિયન લોકોને રસી અપાઇ હતી તેમાંથી આટલા કેસ મળ્યા છે.
એ મુજબ એમએચઆરએનો અહેવાલ જણાવે છે. અમારી ચાલતી સમીક્ષાને આધારે કોવિડ-૧૯ની રસીના લાભો તેના જોખમો સામે વધારે જણાયા છે અને તમારે તમને જ્યારે આમંત્રણ મળે ત્યારે રસી લેવી જોઇએ એ મુજબ અહેવાલમાં જણાવાયું છે.
શંકાસ્પદ આડઅસરની સંખ્યા અત્યાર સુધીમાં અન્ય પ્રકારની રાબેતા મુજબ લેવાતી રસીઓની સરખામણીમાં અસાધારણ જણાઇ નથી. બંને રસીઓમાં સલામતીનો અનુભવ અત્યાર સુધીની ક્લિનિકલ ટ્રાયલની અપેક્ષા મુજબનો જ છે એ મુજબ અહેવાલમાં વધુમાં જણાવાયું છે.