સુરત: સુરતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસની રહસ્યમય રીતે વધ-ઘટ થઈ રહી છે. છેલ્લા ચારેક દિવસથી સુરતમાં કોરોનાના 600થી વધુ કેસ નોંધાઈ રહ્યાં હતાં. તેમાં ગુરૂવારે મોટો ઘટાડો જોવા મળ્યો અને 138 કેસ ઘટીને 400થી વધુ કેસ નોંધાયા હતાં. જ્યારે શુક્રવારે સુરતમાં કોરોનાના કેસનો આંક 506 નોંધાયા હતાં.
જેને કારણે ભારે આશ્ચર્ય સર્જાવા પામ્યું છે. શુક્રવારે કોરોનાના જે કેસ નોંધાયા તેને કારણે સુરતમાં કોરોનાના કેસનો આંક 51,204 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 3 મોત સાથે કુલ મૃત્યુઆંક 895 પર પહોંચ્યો છે.
અઠવા ઝોનમાં કોરોનાના કુલ કેસનો આંક 10000ને પાર
શુક્રવારે પણ કોરોનાના સુરતમાં હોટસ્પોટ તરીકે અઠવા અને રાંદેર ઝોન જ નોંધાયા હતાં. બંને ઝોનમાં અનુક્રમે 90 અને 80 કેસ નોંધાયા હતાં. અઠવા ઝોનમાં કોરોનાના કેસનો કુલ આંક 10,000 ને પાર કરી ગયો છે. માત્ર અઠવા ઝોનમાં જ કુલ આંક 10,682 પર પહોંચી ચુક્યો છે. શહેરમાં સંક્રમણ વધતા, રીકવરી રેટમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે.
એક સમયે રીકવરી રેટ 97 ટકાની ઉપર પહોંચી ચુક્યો હતો. જે હવે ઘટીને 93.41 ટકા પર પહોંચ્યો છે. શુક્રવારે શહેરમાં વધુ 579 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા અને અત્યારસુધીમાં કુલ 47,830 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
કોરોનાના કેસની વધ-ઘટ થાય તે સામાન્ય છે, પરંતુ સંક્રમણ વધારે છે તેથી શહેરીજનો તકેદારી રાખે: મ્યુનિ.કમિ.
છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં થઈ રહેલી વધ-ઘટ અંગે મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસની વધ-ઘટ થવી તે સામાન્ય બાબત છે. આજે વધારે તો કાલે ઓછા કેસ પણ આવી શકે છે પરંતુ તેનાથી વધારે મહત્વનું એ છે કે આ વખતે શહેરમાં કોરોનાનું અતિ સંક્રમણ છે. જેથી શહેરીજનોએ તકેદારી રાખવી અતિ જરૂરી છે. કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે સાવધાની રાખવી, વેક્સિન લેવી તે ખૂબ જ જરૂરી છે.
કયા ઝોનમાં કેટલા કેસ?
ઝોન કેસ
સેન્ટ્રલ 46
વરાછા-એ 57
વરાછા-બી 54
રાંદેર 80
કતારગામ 57
લિંબાયત 66
ઉધના 56
અઠવા 90