શહેરમાં કોરોનો કહેર બેકાબુ થતાં હવે ફરીથી ડાયમંડ અને ટેક્ષટાઇલ માર્કેટ વિકએન્ડમાં બંધ રાખવાનો આદેશ સુરત મનપા દ્વારા કરાયો છે. જો કે મનપાના આદેશના લીરા ઉડાવી શહેરના મોટા ડાયમંડ ઉધોગપતિઓના કારખાના સરેઆમ ચાલુ રહ્યાં હતાં ત્યા ંમનપાની એક પણ ટીમ ફરકી નહોતી.
જયારે નાના યુનિટો બંધ કરાવવા ફરજ પડાતી હોય, લોકોની ધીરજ ખૂટી જતાં સોમવારે કતારગામ નંદુડોશીની વાડીમાં નાના કારખાનાઓ બંધ કરાવવા ગયેલી મનપાની ટીમનો કારખાનેદારો તેમજ કારીગરોએ ઘેરાવો કર્યો હતો અને માત્ર નાના યુનિટો સાથે જ ભેદભાવ રાખવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. કારખાનેદારોએ મનપાના કર્મચારીઓને રીતસર દોડાવી દોડાવી ભગાડાયા હતાં.
રત્નકલાકારો અને દુકાનદારોએ પાલિકાના અધિકારીઓને ઉધડો લીધો હતો. સાથે જ આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યું હતું કે, અમારા રોજગાર ધંધા માંડ પાટે ચડ્યા છે ત્યાં રોજગારી પર પાટું મારવામાં આવી રહ્યાં છે.
હીરાના મોટા કારખાના ધમધમે છે, જ્યારે નાના યુનિટને જ બંધ કરાવવાની પાલિકાની ભેદભરેલી નીતિનો અમે વિરોધ કરીએ છીએ. ફરી ધંધા રોજગાર પર તરાપ મારી પાલિકા કોરોના વાઇરસને અટકાવવા નીકળી છે, એ કેટલું યોગ્ય છે? હવે આપઘાત જ કરવો પડે એવી પરિસ્થતિ આવી ગઈ છે. રાજકીય તાયફાઓ પાલિકાને દેખાતા નથી ?