SURAT

સુરતમાં વારંવાર ટ્રાફિકના નિયમો તોડનારા 5000 વાહન ચાલકને ઓળખી કઢાયા, જેલ ભેગા કરાશે

સુરત: ટ્રાફિક સિગ્નલ બાદ પણ લેનની ઐસી તૈસી કરનારા તથા ટ્રાફિક સિગ્નલને ઓળંગીને કાયદાને મજાક બનાવનારા પાંચ હજાર લોકો સામે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યા છે. આ એવા લોકો છે જે ટ્રાફિક સિગ્નલનો કયારેય અમલ કરતા નથી.

  • 1લી જાન્યુઆરીથી એફઆઇઆર દાખલ કરવા ગૃહમંત્રીએ આદેશ કરતાં પોલીસે શહેરના વિવિધ પોલીસ મથકોમાં કાર્યવાહી શરૂ કરી
  • વારંવાર સિગ્નલ તોડવા સહિતના નિયમોનો ભંગ કરનારા સામે હવે કડક કાર્યવાહી, જાહેરમાં થુંકનારા પણ હવે દંડાશે
  • પોલીસ, મનપા, કલેક્ટર, આરટીઓ સહિતના અધિકારીઓને ટ્રાફિક સંકલનની બેઠકમાં હર્ષ સંઘવીનો કડક મેસેજ

આ ઉપરાંત વારંવાર અકસ્માત કરીને લોકોને ગંભીર ઇજા પહોચાડ઼ી રહ્યા છે. સુરતમાં એવા હજારો લોકો છે જેઓ હજુ ટ્રાફિક સિગ્નલનો અમલ કરવા માટે ટેવાયા નથી. તેથી હવે પોલીસ સ્ટેશનના લોકઅપમાં જવાની તૈયારી રાખવી પડશે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યા બાદ પોલીસ કમિશનર ગેહલોતે આકરી કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. હાલમાં આવા પાંચ હજાર લોકોની યાદી જે તે પોલીસ સ્ટેશનમાં રવાના કરવામાં આવી છે. બે દિવસ બાદ 2025નું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે નવા દિવસની નવી સવારથી સુરતીઓ પોલીસની કડકાઈ માટે તૈયાર થઈ જજો, કેમ કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સુરતમાં ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું છાસવારે સામે આવતું હોવાની વ્યાપક ફરિયાદ બાદ ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરાવવું પડશે તેવી તાકીદ કરી છે. જે પાલન નહીં કરે તેમણે પોલીસ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. સાથે જ જાહેર રસ્તા પર સ્પીટિંગ કરનારા લોકો સામે પોલીસ એફઆઈઆર થશે તેવું જણાવ્યું હતું.


ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે ટ્રાફિક સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકોની સલામતી માટે ૧લી જાન્યુઆરીથી ૪૫ દિવસ સુધી રોડ-રસ્તા, શાળા, કોલેજ સહિત માર્કેટ વિસ્તારમાં હેલ્મેટની જાગૃતિ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે, આ સાથે ટ્રાફિક વ્યવસ્થામાં સિગ્નલનું પાલન નહીં કરનારા અને રોંગ સાઈડમાં વાહન ચલાવનારા ચાલકો સામે કડક કાર્યવાહી કરાશે.

સ્વચ્છ સુઘડ એવા સુરતના રોડ-રસ્તા સહિત બ્રિજો પર પાન-માવા ખાઈને થુંકનારાઓના ફોટાઓ સહિતની વિગતો સુરત મનપા પાસેથી મેળવીને પોલીસ વિભાગને કાર્યવાહી કરવા તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને સુરતમાં મેટ્રો રેલવેના બેરિકેટીંગ હટાવવા અને પ્રજાને પડતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ લાવવાની સુચના તેમણે આપી હતી.

આ બેઠકમાં પોલીસ કમિશ્નરે માર્ગ સલામતી, ટ્રાફિક નિયમો અંગે જરૂરી સુચનો કર્યા હતા. બેઠકમાં મેયર દક્ષેશ માવાણી, સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલ, ડે.મેયર નરેન્દ્ર પાટીલ, શાસકપક્ષ નેતા, શશીબેન ત્રિપાઠી, પોલીસ વિભાગના અધિકારી, આરટીઓ સહિત મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા 2025 માટે પોલીસે રોડમેપ તૈયાર કર્યો
ટ્રાફિક સિગ્નલ તોડનારા લોકો સામે પોલીસ એફઆઈઆર થશે. લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે ગુનો દાખલ થશે. સુરત પોલીસ કમિશનરે માહિતી આપતા કહ્યું કે, સુરત પોલીસનો વર્ષ 2025 રોડમેપ રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તૈયાર કરાયો છે. ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અંગેની દિશામાં પણ પ્રયાસ કરાશે.

Most Popular

To Top