SURAT

500 રૂપિયા કમિશન લઈ વરાછાના આ સ્પામાં મહિલાઓ પાસે કરાવાતું હતું આવું કામ

સુરત: સુરત શહેરમાં સ્પા, મસાજ સેન્ટરનું દૂષણ ખૂબ જ વ્યાપક રીતે ફેલાયેલું છે. લોકોની સતત અવરજવર ધરાવતા વિસ્તારોના શોપિંગ કોમ્પલેક્સ, મોલમાં પોલીસના નાક નીચે આવા સ્પા અને મસાજ સેન્ટરોમાં દેહવિક્રયનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે, છતાં સુરત શહેર પોલીસ આ દૂષણને રોકી શકી નથી.

સુરતના ખાસ કરીને વેસુ, પીપલોદ અને વરાછાના પોશ વિસ્તારોમાં આ દૂષણ વધુ ફેલાયેલું છે. છાશવારે સ્પા અને મસાજ પાર્લરમાંથી મહિલાઓ દેહવિક્રયનો ધંધો કરતા પકડાઈ રહી છે. વળી, આ બદીને પ્રોત્સાહન સ્પા અને મસાજ પાર્લરના સંચાલકો જ આપી રહ્યાં છે. ગુરુવારે વરાછામાં આવા જ એક સ્પામાંથી 8 મહિલાઓ દેહવિક્રય કરતા રંગેહાથ પકડાઈ છે, જેમાં સ્પાના સંચાલકો જ કમિશન લઈ તેઓ પાસે ધંધો કરાવતા હોવાનો ખુલાસો થયો છે.

વરાછામાં આઠ જેટલી મહિલાને સ્પામાંથી છોડાવવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. તેમાં વરાછા , માતાવાડી, લક્ષ્મીનારાયણ સર્કલ, રાજા વડાપાંવની દુકાન પર ચાલી રહેલા ઓરિયન સ્પા પર ક્રાઇમ બ્રાન્ચ એએચટીયુ ટીમ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા. દુકાન ભાડે રાખનાર રામુ સ્વાઇ ઉર્ફે રામચંદ્ર સંચાલક સુમન મહંતો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્થળ પરથી ચાર ગ્રાહકોને પકડવામાં આવ્યા હતા. તેમાં પ્રત્યેક મહિલા દીઠ પાંચસો રૂપિયા કમિશન લેવામાં આવતું હતું. સ્થળ પરથી 12700 રોકડા અને મોબાઇલ ફોન સાથે 20000ની મત્તા પકડવામાં આવી હતી. હાલમાં પોલીસ ચોપડે રામચંદ્રને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે.

અગાઉ પણ સ્પામાંથી મહિલાઓ છોડાવાઈ છતાં આ દૂષણ દૂર થતું નથી
સુરત શહેરમાં દર અઠવાડિયે પંદર દિવસે સ્પા અને મસાજ પાર્લરમાંથી દેહવિક્રયનો ધંધો કરતી મહિલાઓને છોડાવવામાં આવી રહી છે, તેમ છતાં આ દૂષણ પર સંપૂર્ણપણે રોક લગાવવામાં સુરત શહેર પોલીસ નિષ્ફળ રહી છે. ગઈ તા. 8મી એપ્રિલના રોજ સુરત પોલીસે સરથાણા યોગીચોકના ધ પેલેડિયમ મોલના બીજા માળે ચાલતા વેલકમ સ્પામાં દરોડા પાડી કુટણખાનું ઝડપી પાડ્યું હતું. જેમાંથી મસાજના નામે દેહવ્યાપાર કરતી 3 મહિલાઓને છોડાવાઈ હતી. આ સ્પામાં દેહવ્યાપાર કરનાર મહિલાઓ પાસેથી 1000 રૂપિયા કમિશન સ્પા સંચાલક વસૂલતા હતા.

દરમિયાન 26 એપ્રિલના રોજ આનંદ મહલ રોડ પર ભૂલકા ભવન સ્કૂલની બાજુમાં એસ્કોન પ્લાઝામાં બ્લુ હેવન નામે ચાલતા સ્પામાંથી કૂટણખાનું પકડાયું હતું. પોલીસે આ સ્પામાંથી 3 લલનાઓને મુક્ત કરાવી હતી. સ્પા સંચાલકની રહેમનજર હેઠળ જ દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો.

Most Popular

To Top