SURAT

500થી વધુની વસતીવાળા ભરૂચના આલીયા બેટમાં કોરોનાનો એકેય કેસ નથી!

રાજ્યમાં જ્યાં કોરોના 1 વર્ષ પૂર્ણ થવા બાદ હાલ બીજા વેવમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાનો 22000 હેક્ટરમાં રહેલા આલિયાબેટ પર વસતા 500 જાટ લોકોમાં કોરોનાના 1 કદમની પણ દસ્તક થઈ નથી. ખંભાતના અખાતના નર્મદાના સંગમસ્થાને આવેલા વિશાળ અવાવરું બેટ ઉપર આઝાદીનાં 74 વર્ષ પછી પહેલીવાર આ પંચાયતોની ચૂંટણીમાં 230 મતદાર માટે મતદાન મથક ઊભું કરાયું હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન અહીંના 204 મતદારોએ પહેલીવાર બેટ ઉપર મત આપ્યો હતો. જેઓએ અગાઉ બોટમાં જવું પડતું હતું. આલિયાબેટના લોકોને 74 વર્ષે તો મતાધિકારનો અધિકાર મળ્યો હતો. પરંતુ આઝાદીનાં આટલાં વર્ષોમાં તેઓ વિકાસથી હજી પણ વંચિત છે, અહીં વિકાસે હજી સુધી પગ નહીં મૂકવા સાથે કાતિલ કોરોનાની પણ પગ મૂકવાની હિંમત થઈ નથી.

આધુનિક જમાનામાં પણ જાટ કોમના લોકો આઝાદીનાં આટલાં વર્ષે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. સૈકા પૂર્વે કચ્છથી પાણી અને ઘાસચારાની શોધમાં હિજરત કરી ગયેલા જાટ કોમના લોકો અવાવરું આલિયા બેટ ઉપર આલ નામના ઘાસના કારણે પોતાના પશુઓ માટે અનુકૂળ જગ્યા હોવાથી વસ્યા હતા. જેમની વસતી આજે 500થી વધુ છે.

તેમની પાસે 1000થી વધુ દુધાળા પશુ અને 600 ઊંટ છે. ભરૂચનાં ગામડાંમાં દૂધનું વેચાણ એ આ લોકોની મુખ્ય આજીવિકા છે. સ્થાનિકો માટે 9 મહિના ખૂબ જ મુશ્કેલ ગણાતાં રસ્તા મારફતે હાંસોટ સાથે જોડાય છે. જ્યારે ચોમાસામાં 3થી 4 મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો રહે છે.

અહીંના લોકો પાયાની કહી શકાય તેવી તમામ સુવિધાઓથી વંચિત છે. સ્થાનિકો પાસે સંપર્ક માટે રસ્તા નથી. ગામમાં વીજળી સોલાર પેનલથી ગામલોકો દ્વારા જાતે મેળવાય છે. મોબાઈલ નેટવર્ક જૂજ વિસ્તારમાં મળે છે. સ્થાનિકો જે વાસણોમાં દૂધ વેચવા જાય છે. તેમાં વળતા પાણી ભરી લાવે છે અને તેનો ઉપયોગ પીવા માટે કરે છે. નદી કિનારે વસ્યા હોવા છતાં નર્મદા ડેમના નિર્માણ બાદ ડાઉન સ્ટ્રીમમાં પાણી ઓછું વહેવાથી પાણી ખારા થયા છે.

બેટ ઉપર કોરોનાની દસ્તક કેમ નહીં, શું કહે છે જાટ કોમ

સ્થાનિક અગ્રણી મહંમદ જાટે જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે. પરંતુ અહીં વિકાસ નહીં હોવા સાથે કોરોનાનો પગપેસારો પણ થયો નથી. હાલ પણ સ્થાનિકો બદતર જીવન જીવી રહ્યા છે. પાણી, રસ્તા અને વીજળી સહિતના મોરચે સ્થાનિકો તંત્રની મદદના ઈન્તેજારમાં છે. ગામમાં એક શાળા છે. ધોરણ-1થી 8 માટે. જેમાં 50 જેટલાં બાળકોને અંકલેશ્વરના શિક્ષક પોતાનું ઘર અને પરિવાર છોડી બાળકોના ભવિષ્ય માટે આલીયાબેટમાં સ્થાયી છે.

શું બનાવ્યો છે કોરોના માટે નિયમ

  • બેટ પરથી જરૂર વગર કોઈએ બહાર જવું નહીં.- બહારથી કોઈપણ વ્યક્તિને આવવા દેવી નહીં.- દૂધ આપીને યુવાનો હાંસોટ, અંકલેશ્વર અને ભાડભૂતથી પરત ફરે એટલે કોઇના સંપર્કમાં ન આવે.- સ્નાન કરી સ્વચ્છ અને સેનિટાઈઝ થવું.- 100 ઘરોનાં કોઈપણ કુટુંબના લોકોને બેટ પર માસ્ક પહેરવાની જરૂર પડતી જ નથી.- યુવાનોને બહાર જવા કે હોટલો-ખાણીપીણી પર રોક.

Most Popular

To Top