લખનઉ (Lucknow): ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બદાયુમાં નિર્ભયા કાંડ જેવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક આંગણવાડી સહાયકની ગેંગરેપ (Gang rape) પછી હત્યા કરી દેવામાં આવી છે. મહિલાની ઉંમર 50 વર્ષ હતી. પોસ્ટમોર્ટમમાં તેના શરીર પર ઘણી ગંભીર ઈજા જોવા મળી છે. પીડિત પરિવારની ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે.
પોસ્ટમોર્ટમમાં (postmortem) મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડના સળિયા જેવી કોઈ ભારે વસ્તુ પણ નાખવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ડાબો હાથ, ડાબો પગ, ડાબી સાઈડના ફેફસાં ઉપર પણ વજનદાર વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા જોવા મળી છે. ઘટના ઉત્તરપ્રદેશના ઉધૈતી પોલીસ સ્ટેશનના એક વિસ્તારની છે. મહિલાના દીકરાએ કહ્યુ કે, મહિલા રોજની જેમ રવિવારે સાંજે 5 વાગે પણ નજીકના ગામમાં મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. અહીં મંદિરના પુજારી, તેના એક શિષ્ય અને ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ કર્યું. ત્યારપછી મહિલાની હત્યા કરી દેવામાં આવી. મોડી રાતે 11.30 વાગે પુજારી જીપમાં આવ્યો અને દરવાજામાં મહિલાની લાશ નાખીને જતો રહ્યો.
પોસ્ટમોર્ટમમાં મહિલાના ગુપ્તાંગમાં ઈજાના નિશાન મળ્યા છે. તેની જમણી પાંસળી, જમણો પગ અને જમણા ફેફસાને પણ કોઈ વજનદાર વસ્તુથી પ્રહાર કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મહિલાના મોતનું કારણ વધુ પ્રમાણમાં લોહી વહી જવું અને આઘાત લાગ્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે એક આરોપી ફરાર છે. તેની ધરપકડ માટે પોલીસે ચાર ટીમો કામે લગાવી છે. એસએસપીએ બેદરકારી વર્તનારા ઉધૈતીના પોલીસ સ્ટેશન ઈનચાર્જને સસ્પેન્ડ કરી દીધા છે. આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (National Security Act -NSA) હેઠળ કાર્યવાહી કરાશે.
સોમવારે આરોપી પુજારીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે મહિલા મંદિર પાસેના એક કુવામાં પડી ગઈ હોવાનું કહી રહ્યો છે. વીડિયોમાં તેણે દાવો કર્યો છે કે મેં બે લોકોને તે મહિલાને કુવામાંથી બહાર કાઢવા માટે બોલાવ્યા હતા. અમે ત્રણે જણાએ મળીને તે કુવામાંથી બહાર કાઢી હતી. જ્યારે તેન તેના ઘરે છોડી ત્યારે તે જીવતી હતી. જોકે સ્પષ્ટ થઈ નથી રહ્યું કે કોણે આ વીડિયો બનાવ્યો છે અને ક્યાંથી બનાવ્યો છે. હાલમાં બદાયુ પોલીસે ટ્વીટ કરીને આ કેસ અંગે કહ્યું છે કે આ કેસમાં ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.