મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના બરેલી તાલુકામાં આજે તા. 1 ડિસેમ્બરે મોટી દુર્ઘટના બની. બરેલી–પિપરિયા સ્ટેટ હાઇવે પર આવેલો નયાગાંવનો 50 વર્ષ જૂનો પુલ અચાનક ધરાશાયી થઈ ગયો. આ ઘટનામાં પુલ પરથી પસાર થતાં 4 બાઈકસવાર વાહન સાથે નીચે પટકાયા જ્યારે પુલની નીચે સમારકામ કરી રહેલા 8 જેટલા મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા. ઘટનામાં કુલ 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ આ પુલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો પરંતુ જવાબદાર વિભાગે તેને નવો બનાવવાની જગ્યાએ માત્ર ઉપરથી નવો રોડ પાથરી દીધો હતો. જેના કારણે પુલ દેખાવામાં મજબૂત લાગતો પરંતુ અંદરથી નબળો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પુલની ખરાબ હાલતની ફરિયાદો પહેલાં પણ કરવામાં આવી હતી છતાં પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી.
ઘટનાના સમયે પુલની નીચે સેન્ટિંગ લગાવી સમારકામ ચાલી રહ્યું હતું અને એક સાથે ઉપર વાહનવ્યવહાર પણ ચાલુ હતો. આવું જોખમી કામ ચાલું હોવા છતાં ટ્રાફિક બંધ કરવામાં આવ્યો ન હતો. જેથી આવી બેદરકારીના કારણે જ પુલનો ભાગ અચાનક તૂટી પડ્યો અને મોટી દુર્ઘટના થઈ ગઈ.

ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાથી તેને ભોપાલ રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જિલ્લા કલેક્ટર, એસપી અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
હવે આ મામલે તપાસનો હુકમ આપવામાં આવશે અને જવાબદાર કોણ એ જાણવા પ્રયાસ થશે. સ્થાનિક લોકોનો સવાલ એ જ છે કે જો પુલ સ્પષ્ટ રીતે જર્જરિત હતો તો તેના પર નવો રોડ નાખીને જોખમ કેમ લેવાયું? આવા કાચા વિકાસના કામો જનતાના જીવ માટે કેટલા ખતરનાક છે તે આ ઘટનાએ ફરી સાબિત કરી દીધું છે.