સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. એક એક ડાયમંડની કંપનીમાં કામ કરતા 50 રત્નકલાકારોને એક સાથે ઝેરની અસર થઈ છે. ઝેરની અસર થતાં 50થી વધુ રત્નકલાકારોની તબિયત એક સાથે લથડી હતી, જેના લીધે અફરાતફરી મચી ગઈ હતી. તમામ રત્નકલાકારોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તાર 108 એમ્બ્યુલન્સની સાઈરનના અવાજથી ગુંજી ઉઠ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલી ડાયમંડની કંપનીમાં ઘટના બની છે. પાણી પીધા બાદ અહીં 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી છે. ઘટના બની ત્યારે કારખાનામાં 100 જેટલા રત્નકલાકારો હતા. તમામને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
દરમિયાન એવી માહિતી સાંપડી છે કે પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં કોઈએ અનાજમાં નાંખવાની દવા ભેળવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે સેલ્ફોસ નામની દવાની પડીકી પણ ફિલ્ટર પાસેથી મળી આવી છે.
સમગ્ર ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડીસીપી આલોક કુમારે કહ્યું કે કપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલેનિયમ કોમ્પ્લેક્સમાં અનોપ જેમ્સ નામની કંપની છે. આ કંપનીમાં સવારે એક આઘાતજનક ઘટના બની છે. ફેક્ટરીની પાણીની ટાંકીમાં કોઇ અસામાજિક તત્ત્વએ સેલ્ફોસની પડીકી અંદર નાખી દીધી હતી.
આ મામલે કારીગરોએ માલિકને જાણ કરી હતી ત્યારે તેમણે તાત્કાલિક સાવચેતીના ભાગ રૂપે તમામને હોસ્પિટલ મોકલ્યા હતા. આ મામલે કોઇ જાનહાનિ થઈ નથી. આ મામલે તપાસ કરવા અમે ફોરેન્સિકની ટીમ બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહ્યા છીએ. આરોપી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.
