સુરતઃ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાનો જીવ જોખમમાં મુકી દઈ વીડિયો બનાવતા હોય છે. આવો જ એક વીડિયો તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થયો હતો. જેમાં કેટલાંક યુવકોએ મર્ડરનો સીન શૂટ કર્યો હતો. આ વીડિયો સુરતના ભેસ્તાન વિસ્તારનો હોવાનું બહાર આવતા સુરત પોલીસ હરકતમાં આવી હતી અને વીડિયો રેકોર્ડ કરનાર યુવકોની ધરપકડ કરી હતી. જોકે, ધરપકડ બાદ એ હકીકત બહાર આવી કે યુવકોએ વીડિયો ત્રણ વર્ષ પહેલાં 2022માં બનાવ્યો હતો.
ભેસ્તાન વિસ્તારમાં ભાઈગીરીનો વીડિયો બનાવનાર પાંચ યુવકોને ભેસ્તાન પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાંચ યુવકો ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી મારે છે. ત્યાર બાદ જાહેરમાં સિગારેટ અને દારૂની બોટલ લઈ ડાન્સ કરે છે. એક યુવક તલવારથી કેક કાપે છે અને સાથી યુવકનું મર્ડર કરતો હોય તેવો સીન ક્રિએટ કરે છે. આ વીડિયો યુવકોએ મે 2022માં બનાવ્યો હતો, પરંતુ હાલમાં તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, તેથી ભેસ્તાન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
વીડિયો જોઈ ભેસ્તાન પોલીસે યુવકોને ભેસ્તાનના ઉન પાટિયા વિસ્તારમાંથી શોધી કાઢ્યા હતા. પકડાયેલા યુવકોમાં અઝહર પિંજારી (21), જુનેદ પિંજારી (ઉં.વ.19), આફતાબ પિંજારી (ઉં.વ.19), રીઝવાન પિંજારી (ઉં.વ.22) અને શોએબ પિંજારી (ઉં.વ.23)નો સમાવેશ થાય છે. તમામ યુવકો ઉનપાટિયા વિસ્તારમાં રહે છે.
યુવકોએ માફી માગી
ધરપકડ બાદ તમામ યુવકોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ફરી આવું કૃત્ય ન કરવા બાંયધરી આપી હતી. તેઓએ માફી માગી હતી.