વડોદરા: વડોદરા શહેરમાં વિવિઘ વિસ્તારોમાં ગ્રીનબેલ્ટ ના દબાણો તેમજ પ્રજાને નડતર રૂપ દબાણો હટાવવાની ઝુબેશ પાલિકા દ્વારા ચલાવવા માં આવી રહી છે. જેના ભાગ રૂપે ગોરવા વિસ્તારમાં ગોરખનાથ મંદિરથી મધુનગર જવાના 12 મીટરના મુખ્ય રસ્તા પર ઉભી થઈ ગયેટૂંક લી પાંચ દુકાનો સહિત કુલ ૩૦ જેટલા ગેરકાયદેસર બાંધકામ ઉપર વડોદરા કોર્પોરેશનના દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરી દરમિયાન મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગોરવા વિસ્તારમાં ટીપી 55 અંતર્ગત આવતા ગોરખનાથ મંદિરથી મધુનગર જવાના 12 મીટરના માર્ગ પર કેટલાક રહીશોએ પોતાનું વધારાનું બાંધકામ કરી દીધું હતું. જેથી આ રસ્તે પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓએ હેરાન થવું પડતું હતું. આ અંગે કેટલાક જાગૃત નાગરિકો અને સ્થાનિક રહીશોએ અહીંના અનઅધિકૃત દબાણો દૂર કરવા પાલિકા સમક્ષ રજૂઆત કરી હતી.
જેથી કોર્પોરેશનના જમીન મિલકત અમલદાર ટીપી વિભાગે અહીં ગેરકાયદેસર બાંધકામ કરનાર પાંચ દુકાનો, કમ્પાઉન્ડ, ફેન્સિંગ, ઓટલા, શેડ સહિતના દબાણ કરતાઓને નોટીસો આપી હતી અને તેમના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની તાકીદ કરી હતી. નોટિસ બાદ કેટલાક રહીશોએ અહીં પોતાના વધારાના દબાણો સ્વૈચ્છિક દૂર કર્યા હતા પરંતુ કેટલાક દબાણો યથાવત રહ્યા હતા. જે બાદ આજે મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયાની આગેવાનીમાં અહીંથી નડતરરૂપ દબાણો દૂર કરી સમગ્ર રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં અહીં ખુલ્લા થયેલા માર્ગ પર રસ્તો બનાવવાની કામગીરી કરવા માં આવશે તેમ મેયર કેયુર રોકડીયા એ જણાવ્યું હતું.