સુરતના Limbayat વિસ્તારમાં મીઠી ખાડી નજીક આવેલા રહેણાંક મકાનમાં લાગેલી ભીષણ આગે જાનલેણ રૂપ ધારણ કર્યું છે. આ દુર્ઘટનામાં ચાર મહિલાઓ અને એક બાળક સહિત કુલ 5 લોકોના કરુણ મોત થયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, મકાનમાં મોટા પ્રમાણમાં સાડી પેકિંગ મટિરિયલ, ફોમ શીટ અને જ્વલનશીલ સામાન સંગ્રહિત કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ઘરમાં એટલો વધુ માલસામાન ભરેલો હતો કે ચાલવા માટે પણ પૂરતી જગ્યા નહોતી. અંદાજે 20 ટન સુધીનો સાડીનો જથ્થો ત્યાં રાખવામાં આવ્યો હતો, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ અને નિયંત્રણ બહાર થઈ ગઈ હતી.
આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ફાયર વિભાગ દ્વારા સત્તાવાર કારણ અંગે તપાસ ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ટીમે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. માહિતી મુજબ, ઘરમાં બે ગેસ સિલિન્ડર પણ હાજર હતા, જેના કારણે જોખમ વધુ વધ્યું હતું. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ અને પૂર્વ મેયર પણ સ્થળ પર પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઘટનામાં શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 65), હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 18), શુભાન રમઝાન અલી અંસારી (ઉં.વ. 4), શબીના રમઝાન અલી અંસારી (ઉં.વ. 28) અને પરવીન અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 19)ના મોત થયા હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે. .સત્તાવાળાઓ દ્વારા આગના ચોક્કસ કારણો શોધવા તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ શહેરમાં રહેણાંક વિસ્તારોમાં જ્વલનશીલ માલસામાનના સંગ્રહ અને અગ્નિસુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.