અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ કરાવાનો દાવો કર્યો છે. આજે શનિવારે તેમણે કહ્યું કે વેપાર કરાર દ્વારા આ તણાવ ઓછો થયો છે.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે, બંને દેશો વચ્ચે પરિસ્થિતિ ગંભીર હતી. પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશો એકબીજા સામે કાર્યવાહી કરી રહ્યા હતા. વિમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. મને લાગે છે કે 5 વિમાનોને તોડી પાડવામાં આવ્યા હશે. રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે તેમણે વેપારનો હથિયાર તરીકે ઉપયોગ કરીને આ સંઘર્ષ બંધ કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમે ઘણા યુદ્ધો રોકી દીધા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો હતો અને તે વધુ વધતો જતો હતો. અમે તેને વેપાર દ્વારા ઉકેલ્યો. અમે કહ્યું હતું કે જો તમે શસ્ત્રોનો ઉપયોગ કરો છો અને કદાચ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરો છો, તો અમે તમારી સાથે વેપાર સોદો કરીશું નહીં. ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમનો નાશ કરવા અંગે નિવેદન આપ્યું અને કહ્યું કે અમે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ટ્રમ્પે અગાઉ પણ દાવો કર્યો હતો
સોમવારે ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને વેપાર દ્વારા અટકાવ્યો છે જે પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, અમે યુદ્ધો દરમિયાન ઉકેલ શોધવામાં ખૂબ જ સફળ રહ્યા છીએ. તમારી પાસે ભારત અને પાકિસ્તાનનું ઉદાહરણ છે. તમારી પાસે રવાન્ડા અને કોંગો યુદ્ધ છે જે 30 વર્ષથી ચાલી રહ્યું હતું.
તેમણે કહ્યું, જે રીતે ભારત અને પાકિસ્તાન આગળ વધી રહ્યા હતા, તે રીતે આગામી અઠવાડિયામાં તેમની વચ્ચે પરમાણુ યુદ્ધ ફાટી નીકળ્યું હોત. પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી ખરાબ થઈ રહી હતી અને અમે વેપાર દ્વારા આ કર્યું. મેં કહ્યું હતું કે જયાં સુધી તમે આ મુદ્દાને ઉકેલશો નહીં, ત્યાં સુધી અમે તમારી સાથે વેપાર વિશે વાત કરીશું નહીં અને તેઓએ તેમ કર્યું.