ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધી રહી છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ફ્રૂટ માર્કેટ પાસે કોઈ વ્યવસ્થા વગર લારીઓ ઊભી રહેવાથી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે ભરૂચના રેલવે સ્ટેશનથી પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરાયાં હતાં. જેમાં રોટરી ક્લબની સામે મુખ્ય માર્ગ પર ભરાતા ફ્રૂટ માર્કેટની લારીઓને પાસેના પાર્કિંગ પ્લોટમાં શિફ્ટ કરવામાં આવી હતી. વિકસતા જતાં ભરૂચમાં ટ્રાફિક જામની વિકટ સમસ્યા ઉદભવી રહી છે.
આડેધડ પાર્કિંગ અને મુખ્ય માર્ગ પર કરાતા દબાણના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે સોમવારના રોજ ભરૂચ નાગર સેવા સદન દ્વારા દબાણ હટાવવામાં આવ્યાં હતાં. ભરૂચના સ્ટેશન રોડ પર ઇન્દિરા નગર નજીક ફ્રૂટની લારીઓઅને ફ્રૂટના વેપારીઓને નજીકમાં આવેલા પાર્કિંગ સ્પેસમાં જગ્યા ફાળવવામાં આવી છે. નવું હોકર્સ ઝોન બનાવવાના હેતુથી ડેપો પાસે આવેલ ફ્રૂટની લગભગ 80 જેટલી લારીઓને બાજુમાં આવેલ ખાલી પ્લોટમાં હંગામી રીતે અમુક મહિનાઓ માટે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
જેથી ફ્રૂટ વેચનારને, લેનારને અને ત્યાંથી અવરજવર કરતા રાહદારીઓને ટ્રાફિકની સમસ્યાથી હાલાકી ના વેઠવી પડે. પાલિકા દ્વારા મુખ્ય માર્ગ પર થતાં દબાણો સામે આ રીતે સમયાંતરે કાર્યવાહી કરવા સાથે વધતાં જતાં વાહનો સામે પાર્કિંગથી લઈ રોડ-રસ્તા, ફૂટપાથની વ્યવસ્થા પણ જોઈએ તે પ્રમાણમાં અને કાયમી ધોરણે કરવામાં આવે તે પણ આવશ્યક છે.