વડોદરા, તા.25
શહેરના મકરંદ દેસાઇ રોડ પર સમર્પણ સોસાયટીમાં મકાન નં 3માં પીસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારે મકાનમાંથી રૂા. 5.61 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેથી પીસીબીએ સ્થળ પરથી દારૂ, ચાર મોબાઇલ સહિત રૂા. 5.82 લાખનો મુદ્દામાલ સાથે બૂટલેગરની ધરપકડ કરીને દારૂ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો છે.
31 ડિસેમ્બરને લઇને શહેરમાં દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેદરો દ્વારા દારૂની ઘુસણખોરી કરાઇ રહી છે. જેેથી સ્થાનિક પોલીસ સહિત પીસીબી, એલસીબી અને ડીસીબીની ટીમોએ પણ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ કરી રહી છે. દરમિયાન પીસીબીની ટીમ રવિવારના રોજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન જેપી પોલીસ સ્ટેશન તાંદલજા ગામ ચાર રસ્તા પાસે આવતા બાતમી મળી હતી કે મકરંદ દેસાઇ રોડ ન્યૂ સમર્પણ બંગલો મકાન નંબર-3માંથી રિતેશ ઉર્ફે વિક્કો દાતરો રાજેશ શુક્લા છુપીરીતે દારૂૂનુ વેચાણ કરે છે. જેના આધારે પીસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. ઘરમાંથી બૂટલેગર રિતેશ શુક્લા મળી આવ્યો હતો. જેથી તેને સાથે રાખીને ઘરમાં તપાસ કરતા બેડરૂમમાં લુબ્રિકાન્ટની ડોલોમાં સંતાડી રાખેલો 5.61 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પીસીબી પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ, ચાર મોબાઇલ સહિત રૂા. 5.82 લાખનો મુદ્દામાલ કબજે કરી બૂલટેગરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે જેપી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે જ્યારે દારૂ સપ્લાય કરનાર શંકર મોરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મકરંદ દેસાઇ રોડ પર મકાનમાંથી 5.61 લાખનો દારૂ ઝડપાયો
By
Posted on