રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જૂની રૂ.100, રૂ.10 અને રૂ.5 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે, આરબીઆઈના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બી મહેશે જાહેરાત કરી કે સેન્ટ્રલ બેંક માર્ચ અથવા એપ્રિલ સુધીમાં 100, 10 અને 5 રૂપિયાની જૂની સિરીઝ પાછો ખેંચવાનો વિચાર કરી રહી છે. આરબીઆઈની આ ઘોષણા પછી આ જૂની નોટો સામાન્ય લોકોની પહોંચથી બહાર થશે.
લોકો પાસેથી આ જૂની નોટો પાછી ખેંચવા અંગે બી મહેશે જણાવ્યું હતું કે આરબીઆઈ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં આ નોટો પાછી ખેંચવાની યોજના ધરાવે છે. આરબીઆઈ દ્વારા આ નોટો પાછી ખેંચવાનો નિર્ણય અંગે નેત્રાવતી હોલમાં જિલ્લા લીડ બેંક દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સુરક્ષા સમિતિ (ડીએલએસસી) અને જિલ્લા કક્ષાની ચલણ વ્યવસ્થાપન સમિતિ (ડીએલએમસી) ની બેઠકમાં બી.મહેશે આ વાત કહી હતી.
બી મહેશે જણાવ્યું હતું કે 10 રૂપિયાના સિક્કાની જારી કર્યાના 15 વર્ષ પછી પણ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આ સિક્કા સ્વીકાર્યા નથી. જે બેંકો અને આરબીઆઈ માટે સમસ્યા બની છે. તેમણે કહ્યું કે, બેંકોએ લોકોને સિક્કાની માન્યતા અંગે અફવાઓ ફેલાવવાની જાણકારી આપવી જોઈએ. આ સાથે, બેંકે લોકોમાં 10 રૂપિયાના સિક્કાને પ્રોત્સાહન આપવાના માર્ગો શોધી કાઢવા જોઈએ.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2019માં 100 રૂપિયાની નવી નોટો રજૂ કરી હતી, જેના પર પ્રખ્યાત રાણકી વાવની તસવીર હતી જે ગુજરાત રાજ્યના પાટણમાં સરસ્વતી નદીના કાંઠે આવેલી છે. આ પહેલા, 8 નવેમ્બર, 2016 ના રોજ મોદી સરકારે નકલી ચલણને દૂર કરવાના ઉદ્દેશ્યથી જૂની 500 અને 1000 ની નોટોને બંધ કરી તેના સ્થાને નવી 2000, 500 અને 200ની નોટ સામેલ કરી હતી.