National

આસામમાં વહેલી સવારે 5.1ની તીવ્રતાનો ભૂકંપ

આસામના મોરીગાંવ જિલ્લામાં આજે 5 જાન્યુઆરી સોમવારે વહેલી સવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ હતી. ભૂકંપ સવારે આશરે 4:17 વાગ્યે આવ્યો હતો. ત્યારે મોટા ભાગના લોકો ઊંઘમાં હતા.

આંચકા અનુભવાતા જ ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ઘણા વિસ્તારોમાં લોકો ખુલ્લી જગ્યાઓમાં ભેગા થયા હતા. ભૂકંપની અસર થોડા સેકન્ડ સુધી રહી પરંતુ તેની તીવ્રતા એટલી હતી કે લોકોમાં ડર વ્યાપી ગયો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર આસામના મોરીગાંવ જિલ્લામાં જ હતું. તેનું અક્ષાંશ 26.37 ડિગ્રી ઉત્તર અને રેખાંશ 92.29 ડિગ્રી પૂર્વ નોંધાયું છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી અંદાજે 50 કિલોમીટર નીચે હોવાનું જણાવાયું છે.

રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારના જાનહાનિ કે મોટું સંપત્તિ નુકસાન થયાના સત્તાવાર અહેવાલો સામે આવ્યા નથી. તેમ છતાં પ્રશાસન સાવચેતીના પગલાં લઈ રહ્યું છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગે લોકોને શાંતિ રાખવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે કોઈપણ આપાતકાળીન સ્થિતિ માટે તંત્ર તૈયાર છે. જો આગળ કોઈ આંચકા અનુભવાય તો લોકો ખુલ્લી જગ્યામાં રહે અને સુરક્ષા નિયમોનું પાલન કરે તેવી સલાહ આપવામાં આવી છે.

Most Popular

To Top