કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજ પર કરવામાં આવેલી કથિત ટિપ્પણીને કારણે સુરતની કોર્ટે તેમને બે વર્ષની સજા કર્યા બાદ લોકસભામાંથી તેમના સભ્યપદને પણ બરતરફ કરી દેવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના આ સભ્યપદ રદ્દ કરવા સામે કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું અને મોદી સરકાર પર આક્ષેપો મુકવામાં આવ્યા કે મોદી સરકાર દેશમાં તાનાશાહી કરી રહી છે.
કોંગ્રેસ દ્વારા વિપક્ષોનો સાથ લઈને કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે પરંતુ બુધવારે જે રીતે લોકસભાએ લક્ષદ્વીપના સાંસદ મો. ફૈઝલના સભ્યપદને ફરી મંજૂર કરી દીધું તે જોતાં આગામી દિવસોમાં રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ ફરી તેમને સોંપી દેવામાં આવે તેવી સંભાવના છે. સાંસદ મો. ફૈઝલ હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં દોષી હતી. જેની સામે રાહુલ ગાંધી સામે તો માત્ર માનહાનિનો જ કેસ છે. પરંતુ જે રીતે લોકસભાનું સભ્યપદ રદ્દ થતાં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું અને તેને કારણે કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે તે જોતાં આગામી સમયમાં રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ પણ બહાલ કરી દેવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે.
લોકસભાના સભ્યને ડિસ્ક્વોલિફાય કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ભૂતકાળમાં આ નિયમોમાં જેની સામે સજાનો ચુકાદો આવ્યો હોય તે વ્યક્તિ 3 મહિનામાં અપીલ કરી શકતી હતી પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા જે તે સભ્યને બે કે તેથી વધુ વર્ષની સજા થાય કે તુરંત તેને ડિસ્ક્વોલિફાય કરવાનો નિયમમાં સુધારો કરવામાં આવ્યો હતો અને આ સુધારો જ રાહુલ ગાંધી સહિતના સાંસદો માટે ફંદો બની ગયો. અન્ય સાંસદોના લોકસભાના સભ્યપદ રદ્દ થતી વખતે મોટી હોહા થઈ નથી પરંતુ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવાની ઘટનાથી વિપક્ષોને મોદી સરકાર સામે એક થવાનો મોટો મોકો મળી ગયો છે.
રાહુલ ગાંધી પણ પોતાનું સભ્યપદ રદ્દ થવાની ઘટનાને મોદી સરકારની તાનાશાહી સાથે સાંકળીને સહાનુભૂતિનો મોટો લાભ લઈ રહ્યા છે. રાહુલ ગાંધીને મળી રહેલી ચાહનાથી પોતાને કોઈ જ ફરક પડતો નથી તેવું મોદી સરકાર અને ભાજપ બતાવી રહ્યું છે પરંતુ ખરી હકીકતમાં ભાજપ હલી ગયું છે. જ્યાં સુધી રાહુલ ગાંધીનું સભ્યપદ બહાલ નહીં થાય ત્યાં સુધી રાહુલ ગાંધી અને કોંગ્રેસ તેનો પોતાના માટે લાભ ઉઠાવતા જ રહેશે. જેને કારણે આગામી દિવસોમાં ભાજપ માટે સ્થિતિ અઘરી બની શકે તેમ છે.
આગામી દિવસોમાં કર્ણાટક અને ત્યારબાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણી થવાની છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બને તેવા ઓપિનિયન પોલ આવી રહ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસની હાલમાં સરકાર છે જ અને જો રાહુલ ગાંધીને લાભ મળતો જશે તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ, બંને રાજ્યો ભાજપ ગુમાવી શકે તેમ છે. મધ્યપ્રદેશમાં ગત ચૂંટણી બાદ કોંગ્રેસની જ સરકાર બની હતી પરંતુ બાદમાં જ્યોતિરાદિત્ય સિંધીયાએ કરેલા બળવાને કારણે ભાજપની સરકાર બની હતી. રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવા સામે આગામી સમયમાં તમામ વિપક્ષો એક નહીં થાય તે માટે મોદી સરકાર હવે એક પછી એક પગલા ભરવા માંડી છે અને તેમાં જ લોકસભાના અધ્યક્ષ દ્વારા લક્ષદ્વીપના સાંસદ મો. ફૈઝલના સભ્યપદને ફરી મંજૂર કરવામાં આવ્યું છે. મો. ફૈઝલ એનસીપીમાંથી સાંસદ છે અને લોકસભામાં એનસીપીના દંડક પણ હતા. મો. ફૈઝલ બાદ અન્ય વિપક્ષોના સાંસદોના પણ લોકસભાના સભ્યપદ ફરી બહાલ કરવામાં આવે તો નવાઈ નહીં રહે.
મો. ફૈઝલના કેસમાં જોવામાં આવે તો 2009માં એક વ્યક્તિની હત્યાની કોશિશના ગુનામાં મો. ફૈઝલ સહિત 3ને સ્થાનિક કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને આ બેઠકની પેટાચૂંટણીની જાહેરાત પણ ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી હતી. પોતાને થયેલી સજાની સામે મો. ફૈઝલ દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેને કારણે કેરળ હાઈકોર્ટ દ્વારા સજા પર પ્રતિબંધ પણ ફરમાવી દેવામાં આવ્યો હતો. છેક 25મી જાન્યુ.એ હાઈકોર્ટ દ્વારા આદેશ કરી દેવામાં આવ્યો હોવાથી ચૂંટણીપંચે આ બેઠકની પેટાચૂંટણી અટકાવી દીધી હતી પરંતુ લોકસભા અધ્યક્ષ દ્વારા મો. ફૈઝલના સભ્યપદને બહાલ કરવામાં આવ્યું નહોતું.
જેથી મો. ફૈઝલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી થવાની હતી. જેથી આ સુનાવણી થાય તે પહેલા જ મો. ફૈઝલના સભ્યપદને ફરી બહાલ કરી દેવામાં આવ્યું હતું. વિપક્ષોની વધી રહેલી એકતા તોડવા માટે આગામી દિવસોમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના લોકસભાના સભ્યપદને પણ ફરી બહાલ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. આ માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના આદેશની જ રાહ જોવામાં આવે છે. જો મોદી અને ભાજપ સરકાર સભ્યપદ બહાલ નહીં કરે તો બની શકે છે કે આ મુદ્દો તેમની વિરૂદ્ધમાં જશે અને તેઓ આવું નહીં જ કરે તે નક્કી છે.