સુરતમાં કોરોનાના જે કેસ વધી રહ્યાં છે તેમાં મોટાભાગના કેસ બહારથી આવતા લોકોને કારણે છે. ખુદ મ્યુનિ.કમિ. દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે કુલ કેસ પૈકી 50 ટકાથી વધુ કેસ બહારથી આવી રહેલા લોકોને કારણે છે.
આ કારણે જ બહારથી જે લોકો આવે છે તેના ટેસ્ટિંગ માટે સઘન કામગીરી કરવાની જરૂરીયાત છે પરંતુ મનપા તંત્ર દ્વારા ચેકિંગની આ કામગીરીમાં મોટા છીંડા રાખવામાં આવ્યાં છે. મનપા દ્વારા આ કામગીરી સઘન રીતે કરવામાં જ આવતી નથી અને તેને કારણે ‘ખાડે ડુચા અને દરવાજા મોકળા’ જેવો ઘાટ થવા પામ્યો છે.
સુરતમાં રોજ સંખ્યાબંધ મુસાફરો રેલ્વે સ્ટેશન પર તથા બસ મારફતે અન્ય રાજ્યમાંથી આવતાં હોવા છતાં પણ કોરોનાના ચેકિંગ કે ટેસ્ટિંગના નામે લોલમલોલ જ ચાલી રહ્યું છે. બહારના રાજ્યમાંથી સુરત રેલ્વે સ્ટેશન પર અને બસ સ્ટેશન પર ચેકીંગ માટે મનપાના કર્મચારીઓ મોટા ભાગનો સમય દેખાતા જ નથી.
ક્યારેક કર્મચારી હોય તોયે મુસાફરોના ધસારાની સામે ખૂબ ઓછી સંખ્યામાં હોવાથી મોટા ભાગના મુસાફરોનું ચેકિંગ કરવામાં આવતું નથી. ક્યા મુસાફરો સુરત ઉતર્યા તેની માહિતી પણ મ્યુનિ. તંત્ર પાસે નથી હોતી. આવા સંજોગોમાં થતાં રેન્ડમ ચેકિંગમાં જે મુસાફર ‘પકડાયો તે ચોર’ જેવી સ્થિતિ ઊભી થાય છે.
જ્યારે હજારો મુસાફરો વિના કોઈ રોક ટોક એમને એમ જ નીકળી જાય છે અને શહેરમાં સંક્રમણનો ભય વધારે છે. આ ઉપરાંત મનપાના કર્મચારીઓ માત્ર મુખ્ય રસ્તાઓ પર જ ઉભા રહે છે. જ્યારે અન્ય રસ્તાઓ પરથી વાહનો દ્વારા કે પછી અન્ય રીતે બહારના રાજ્યના લોકો સુરતમાં ઘુસી જાય તો તે પણ દેખાતા નથી.
રાજ્ય બહારના મુસાફરોને 7 દિવસ ક્વોન્ટાઈન કરવાનો નિયમ માત્ર કાગળ પર બનાવી સંતોષ મનાયો
પાલિકા કમિશનર દ્વારા અન્ય રાજ્યોમાંથી સુરત આવતાં લોકોને સાત દિવસ ફરજ્યાત કોરોન્ટાઈનનો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ આ નિયમમાં મોટા છીંડા જોવા મળી રહ્યાં છે. સુરત રેલ્વે સ્ટેશન પર અન્ય રાજ્યોમાંથી સંખ્યાબંધ ટ્રેનમાં રોજ હજારો મુસાફરો સુરત આવી રહ્યાં છે જએમની ભાગ્યેજ કોઈ પણ પ્રકારની પૂછપરછ કે કોવિડ ટેસ્ટિંગ કરવામાં આઈ રહ્યું છે.
24 કલાક ધમધમતા સુરત સ્ટેશન પર ખૂબ થોડા સમય માટે અને ખૂબ ઓછી સંખ્યામાં જ તંત્રના કર્મચારીઓ હાજર હોય છે. મોટાભાગના મુસાફરો વિના કોઈ રોક ટોક કે પૂછપરછ સ્ટેશન પરથી બહાર નીકળી શહેરમાં ફરતા થઈ જાય છે અને 7 દિવસના ક્વોરન્ટાઈનના ફતવાનો છેદ ઊડી જાય છે.
શું કહે છે રેલવે સત્તાધીશો
રેલવે સત્તાધીશોએ આ મામલે જણાવ્યું હતું કે, આ જવાબદારી મહાપાલિકાની છે, અમારી નથી. આ મામલે અમે મહાપાલિકાને પહેલેથી જ જાણ કરી છે.
કોરોનાના કેસ વધી ગયા બાદ બહારથી આવતા પ્રવાસીઓમાં સંક્રમણ વધારે હોવાથી ચેકપોસ્ટ પર ચેકિંગ વધારાયું
કોરોનાના કેસ વધી ગયા બાદ મનપા દ્વારા શહેરની તમામ ચેકપોસ્ટ પર અલગ અલગ ટીમ દ્વારા ટેસ્ટિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં આવતા કેસોમાં સૌથી વધુ કેસો મહારાષ્ટ્રથી આવતા લોકોમાં જોવા મળી રહ્યાં છે.
1 માર્ચથી 19 માર્ચ સુધી વિવિધ ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવતા સૌથી વધુ કેસો વાલક ચેકપોસ્ટ પર 124, સારોલી પર 63, પલસાણામાં 66, જહાંગીરપુરામાં 24, સાયણમાં 24 કેસો સામે આવ્યા છે. એરપોર્ટ પર ચેકિંગમાં 45 કેસો અને રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગમાં 9 કેસ સામે આવ્યા છે.
બહારથી આવતા મુસાફરોના રાત્રી ચેકિંગ માટે પણ 4 ટીમ તૈનાત
મનપા કમિશનરે જણાવ્યું હતું કે,ખાનગી લક્ઝરી બસો રાત્રે 12 થી સવારે 5 વાગ્યાના સમયગાળા દરમિયાન આવે છે. ઘણી બધી લક્ઝરી બસના ચાલકો શહેરની બહાર જ મુસાફરો ને ઉતારી દે છે. જેના કારણે તેઓનું ટેસ્ટિંગ થતું નથી. તેમનું ટેસ્ટિંગ નહિ થવાના કારણે તેઓ સુરતમાં યેનકેન પ્રકારે પ્રવેશે છે.
મુસાફરોને બહાર ન ઉતારી દે તે માટે મનપા દ્વારા અલગથી 4 ટીમ બનાવવામાં આવી છે અને સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવશે. તેમજ ગઇકાલે 1855 મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 34 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.