વિશ્વના સૌથી વધુ વેતન મેળવતા સીઇઓમાં પ્રથમ સ્થાને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈનું નામ આવે છે. ત્યારબાદ એલન મસ્ક, ટિમ કૂક અને સત્ય નડેલા જેવી હસ્તીઓ આવે છે. પરંતુ બ્રિટનની એક મહિલા સીઇઓએ પગાર મામલે આ બધાને પાછળ છોડી દીધા છે. ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘બેટ 365’ના સ્થાપક અને સીઈઓ ડેનિસ કૉટ્સને નાણાકીય વર્ષ 2020મા રૂ.4,750 કરોડનું પેકેજ પ્રાપ્ત થયું હતું.
53 વર્ષિય કૉટ્સ બ્રિટનની સૌથી ધનિક મહિલા પણ છે અને હવે તે વિશ્વના સૌથી વધુ વેતન મેળવતા સીઈઓની યાદીમાં પણ જોડાઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ અનુસાર, તેઓ પહેલાથી જ વિશ્વના સૌથી ધનિક 500 લોકોમાં શામેલ છે. છેલ્લા એક દાયકામાં તેમણે 11 હજાર કરોડથી વધુની કમાણી કરી છે.
બેટ 365 જે લગભગ બે દાયકા પહેલા શરૂ થયુ હતું. જેને ઑનલાઇન ગેમ બેટિંગથી ફાયદો થયો છે. હાલમાં, કંપનીની કુલ સંપત્તિ આશરે 30 હજાર કરોડ રૂપિયા છે. કંપનીને 2020માં 28,400 કરોડની આવક થઈ છે, જે પાછલા વર્ષ કરતા 8 % ઓછી હતી.
તેઓ શેફિલ્ડ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં સ્નાતક થયા હતા. ત્યારબાદ, પિતાની જુગારની દુકાનોના એકાઉન્ટન્ટ બન્યા હતા. તેઓ 22 વર્ષની ઉંમરે એમડી બની ગયા હતા. તેમણે સ્ટોર્સની સંખ્યામાં વધારાની સાથે વ્યાપારને ઑનલાઇન કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓ સ્ટોક સિટી ફૂટબોલ ક્લબના પણ માલિક છે. બ્લૂમબર્ગ વેલ્થ ઈન્ડેક્સમાં શામેલ 17 બ્રિટિશ ધનિકની યાદીમાં કૉટ્સ એકમાત્ર મહિલા છે.