સુરતમાં રેમડેસિવિરના મામલે ચાલી રહેલી માથાકૂટ આજે પણ યથાવત રહી હતી. કલેકટર દ્વારા રેમડેસિવિર માટે માત્ર હોસ્પિ.ને જ આપવાનો નિયમ બનાવ્યો હોવા છતાં પણ હોસ્પિ.ને પણ પૂરતા પ્રમાણમાં રેમડેસિવિર આપવામાં આવ્યા નહોતાં. આજે સુરત શહેરમાં અલગ અલગ 253 હોસ્પિટલ તરફથી 4622 રેમડેસિવિર ઇન્જેકશનની માંગણી થઇ હતી. પરંતુ તેની સામે કલેકટરે માત્ર 3283 ઈન્જેકશનની જ ફાળવણી કરવામાં આવતા હવે મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે હોસ્પિ. દ્વારા કયા પેશન્ટને રેમડેસિવિર આપવામાં આવે અને કયા પેશન્ટને નહીં!
સરકાર અને કલેકટર તંત્રની અણઘડતાને કારણે હોસ્પિ.ઓ ધર્મસંકટમાં મુકાઈ રહી છે. કલેકટર ખુદ ડોકટર છે છતાં પણ દર્દીને કેટલા રેમડેસિવિર આપવાની જરૂરીયાત છે તેની તેમને સમજ નથી. કેમકે એક દિવસ એક પેશન્ટને ઇન્જેકશન ચાલુ કર્યા પછી બીજા દિવસે પણ ઇન્જેકશન આપવા પડે છે. સામાન્ય રીતે છ ઇન્જેકશનનો ડોઝ છે. પરંતુ કલકેટર તરફથી સતત ઇન્જેકશની ડિમાન્ડ સામે ઓછા ઇન્જેકશન ફાળવતા ડોકટરે હવે જૂના પેશન્ટને રેમડેસિવિર આપે કે પછી નવા પેશન્ટને તે મોટો પ્રશ્ન છે. આ સંજોગોમાં નવા પેશન્ટ રેમડેસિવિર વિના જ રહી જાય છે.
સુરતમાં કોરોનામાં ઓક્સિમીટર અને ઓકિસજન કોન્સન્ટ્રેટર મશીનના ભાવ ચાર ગણા વધી ગયાં
સુરત શહેરમાં ગયા વરસે સેનેટાઇઝર અને માસ્કની બોલબાલા હતી. કોરોનાના પહેલી લહેર વખતે લોકોને આડેધડ માસ્ક પધરાવાયા હતા. માસ્ક અને સેનેટાઇઝરના નામે લૂંટ મચાવતી હાંટડીઓ ગલીગલીમાં શરૂ થઇ ગઇ હતી. આ વખતે હવે લૂંટ મચાવતી ટોળકીએ ઓપરેન્ડી યથાવત રાખી છે. પરંતુ પ્રોડકટ બદલાઈ ગઈ છે. આ વર્ષે સુરતમાં ઓક્સિમીટર અને પલ્સમીટરનો ભાવ બે હજાર રૂપિયા છે. તેવી જ રીતે ગયા વર્ષે જે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનને કોઈ ગણતું નહોતું તેના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ગત વર્ષે આ મશીન જે માંડ 32થી 40 હજારમાં મળતું હતું. તે આ વર્ષે સીધું એકથી સવા લાખનું્ થઈ ગયું છે અને તે પણ કાકલુદી કર્યા બાદ મળે છે.
ધનિક લોકોએ પોતાના ઘરમાં જ મિનિ આઈસીયુ બનાવી દીધા
સુરત શહેરમાં સાધન સંપન્ન અને સમૃદ્ધીમાં આળોટતા લોકોએ પોતોના માટે પોતાના પરિવારના માટે કોરોના સામે ફાઇટ આપવા જરૂરી સેટઅપ પણ ગોઠવી દીધા છે. એક રીતે જોઇએ તો સુરત શહેરના વગદાર લોકોએ પોતોના ઘરે મિનિ આઈસીયુ જ તૈયાર કરી દીધા છે. ઘરે ઓકિસજન બોટલ, વેન્ટિલેટર સહિતના મશીનો તેમજ મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફનો પણ સંપર્ક કરી રાખ્યો છે. જો જરૂર પડે તો તુરંત આ સાધનોનો ઉપયોગ કરી શકાય. મિનિ આઈસીયુ તૈયાર કરવામાં મોટો ખર્ચો થતો નથી. માત્ર બેથી ચાર લાખ રૂપિયામાં જ મિનિ આઈસીયુ તૈયાર થઈ જાય છે.