National

મુંબઈના ગોરેગાંવમાં 7 માળની ઈમારતમાં ભીષણ આગ, 46 દાઝ્યા, 8 ભડથું થયા

મુંબઈ: ગુરુવારે રાત્રે મુંબઈના (Mumbai) ગોરેગાંવના (GoreGaon) આઝાદ નગરમાં સમર્થ નામની 7 માળની ઈમારતમાં ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. સવારે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે બિલ્ડિંગના પાર્કિંગમાં લાગેલી આ આગને કારણે 8 લોકોના મોત થયા છે અને 46 લોકો દાઝ્યા છે. બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગોરેગાંવ આગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

અહીં, બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી 4 કાર અને 30 થી વધુ બાઇક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી, 10 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના પાર્કિંગમાં ઘણું જૂનું કાપડ રાખવામાં આવ્યું હતું, જેમાં આગ લાગી હોવી જોઈએ અને થોડી જ વારમાં તેણે આખા પાર્કિંગ અને બિલ્ડિંગના પહેલા અને બીજા માળને લપેટમાં લઈ લીધો હતો.

આ આકસ્મિક ઘટનામાં કુલ 46 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. HBT હોસ્પિટલમાં ખસેડાયેલા ઘાયલોમાંથી 6 લોકોના મોત થયા છે, જેમાં 5 મહિલાઓ, 2 બાળકો અને 1 પુરુષનો સમાવેશ થાય છે. 25 ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે, જેમાં 12 પુરુષો અને 13 મહિલાઓનો સમાવેશ થાય છે.

કૂપર હોસ્પિટલમાં 15 લોકો ઘાયલ છે, જેમાં 6 પુરુષો અને 9 મહિલાઓનો સમાવેશ થાય છે. જો કે પોલીસ અને ફાયર બ્રિગેડ આગના કારણની તપાસ કરી રહી છે.

આગની ઘટના અંગે સવારે 3.05 વાગ્યે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ઘાયલોને કૂપર હોસ્પિટલ અને HBT હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Most Popular

To Top