ભરૂચ: PM નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) દિશા-નિદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની (Vibrant Gujarat 2024) દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે.
CM ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગ રોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે MoU રાખવામાં આવે છે. તા-11મી સપ્ટેમ્બરે એક જ દિવસમાં રૂ.4 હજાર કરોડથી વધુનું રોકાણ માટે MoU થતાં ભરૂચ જિલ્લા સહિત આખા ગુજરાતમાં વધુ રોજગારીની વિશાળ તકો ઉભી થશે. જેમાં ભરૂચ (Bharuch) જિલ્લામાં 15 હજાર લોકોને રોજગારી મળશે.
- કેમિકલ ક્ષેત્રે 3 હજાર કરોડના થયા MoU, અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદરે કર્યા હસ્તાક્ષર
- ભરૂચના વાગરા તાલુકાના પખાજણમાં 546 હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તૈયાર કરાશે
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણમાં 546 હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા માટે રૂ.450 કરોડના રોકાણો માટેના MoU પાય પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડે કર્યા હતા. આ પાર્કમાં 15 હજાર લોકોને રોજગારી મળશે અને માર્ચ-2024 સુધીમાં પાર્ક કાર્યરત થશે.
આ પાંચ MoU ઉપરાંત કેમિકલ ક્ષેત્રે રૂ.3 હજાર કરોડના રોકાણો માટે બે MoU થયા હતા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં એગ્રોકેમિકલ્સ, હાઇપરફોર્મન્સ પોલિમર્સ અને પીગમેન્ટ્સના ઉત્પાદન માટે ઘરડા કેમિકલ્સ લિમિટેડ દ્વારા રૂ.2600 કરોડના રોકાણ માટે MoU કર્યાં હતા. આ રોકાણથી બે હજાર રોજગારીની તકોનું સર્જન થશે.
MoU મુજબ ઘરડા કેમિકલ્સ દ્વારા એગ્રોકેમિકલ્સનું ઉત્પાદન 2024-25માં શરૂ થઈ જશે, જ્યારે એગ્રોકેમિકલ્સ, હાઈપર્ફોર્મન્સ પોલીમર્સ, રંગદ્રવ્યો તથા એગ્રોકેમિકલ્સ ફોર્મ્યુલશનનું ઉત્પાદન 2025-26માં શરૂ થશે. કેમિકલ ક્ષેત્રે અન્ય એક કંપની યશો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ભરૂચના વાગરા તાલુકાના પખાજણ ગામે રબર કેમિકલ્સ, લુબ્રિકન્ટ એડિટિવ્સ તથા સ્પેશિયાલિટી કેમિકલ્સના ઉત્પાદન માટે રૂ.400 કરોડનું રોકાણ કરવામાં આવશે. એપ્રિલ-2024માં આ એકમ કાર્યરત થતાં 250 રોજગારીની તકોનું સર્જન થશે.
MoU કરનારા ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા, વહીવટી સરળતા વગેરેની સક્રિય ભૂમિકા રહેલી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે. રાજ્ય સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદર તેમજ ઉદ્યોગકારો વતી ઉદ્યોગ સંચાલકોએ હસ્તાક્ષર કર્યા હતા.