Sports

‘અલી કી ચલી’, સીએસકેએ રાજસ્થાનને 45 રને હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 12મી મેચમાં ફાફ ડુ પ્લેસિની શરૂઆતની 17 બોલમાં 33 રનની ઇનિંગ તેમજ અંતિમ પાંચ ઓવરમાં આવેલા 61 રનને કારણે ચેન્નાઇ સુપર કિંગ્સે મુકેલા 189 રનના લક્ષ્યાંક સામે મોઇન અલી અને રવિન્દ્ર જાડેજાએ કરેલી કમાલને કારણે રાજસ્થાન રોયલ્સ 9 વિકેટે 143 રન સુધી જ પહોંચી શકતાં સીએસકેનો 45 રને વિજય થયો હતો. મોઇન અલીએ 3 ઓવરમાં માત્ર 7 રન આપીને 3 વિકેટ જ્યારે રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઉપાડવાની સાથે 4 કેચ ઝડપ્યા હતા.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલા રાજસ્થાન રોયલ્સની શરૂઆત યોગ્ય રહી નહોતી અને 45 રન સુધીમાં મનન વોરા અને કેપ્ટન સંજૂ સેમસનની વિકેટ ગુમાવી દીધી હતી. જોસ બટલર લયમા જણાયો હતો અને એવું લાગતું હતું કે તે આજે મોટી ઇનિંગ રમશે પણ તે જાડેજાના બોલે આઉટ થયો ત્યારે રાજસ્થાનનો સ્કોર 3 વિકેટે 87 રન થયો હતો. બટલર 35 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 49 રને આઉટ થયો હતો.

એ જ ઓવરમાં જાડેજાએ શિવમ દુબેને આઉટ કરીને ટીમને ચોથી સફળતા અપાવી હતી. તે પછી મોઇન અલીએ મિલરને આઉટ કરતા રાજસ્થાન રોયલ્સે 92 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. મોઇન અલીએ તે પછીની ઓવરમાં રિયાન પરાગ અને ક્રિસ મોરિસની વિકેટ ઝડપતા રાજસ્થાનનો સ્કોર 7 વિકેટે 95 રન થયો હતો. તેવટિયા અને ઉનડકટે તે પછી 42 રનની ભાગીદારી કરીને સ્કોર 137 સુધી લઇ ગયા ત્યારે તેવટિયા 15 બોલમાં 20 રન કરીને આઉટ થયો હતો અને તે પછી રાજસ્થાન રોયલ્સ 20 ઓવરના અંતે 9 વિકેટે 143 રન સુધી જ પહોંચી શકતાં ચેન્નાઇ સુપર કિંગ્સનો 45 રને વિજય થયો હતો.

આ પહેલા રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સીએસકે વતી ઓપનીંગમાં આવેલો ઋતુરાજ ગાયકવાડ ફરી નિષ્ફળ ગયો હતો, તે પછી સારી બેટિંગ કરી રહેલો ફાફ ડુ પ્લેસિ પણ પોતાની ઇનિંગને મોટી ઇનિંગમાં ફેરવે તે પહેલા 33 રને આઉટ થયો હતો, મોઇન અલી રિધમમાં આવી રહ્યો હોવાનું લાગતું હતું ત્યારે જ તે અંગત 26 રન કરીને આઉટ થતાં સીએસકેએ 78 રનમાં 3 વિકેટ ગુમાવી હતી.

અંબાતી રાયડુ અને સુરેશ રૈના પણ મોટી ઇનિંગ રમી શક્યા નહોતા અને ચેતન સાકરિયાએ એક જ ઓવરમાં બંનેની વિકેટ ખેરવતા 14 ઓવરમાં તેમનો સ્કોર 5 વિકેટે 125 રન થયો હતો. ધોની એક ક્રમ ઉપર આવ્યો હતો તેને પણ સાકરિયાએ પેવેલિયન ભેગો કર્યો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સે અંતિમ પાંચ ઓવરમાં 61 રન કરતાં તેમનો સ્કોર 9 વિકેટે 188 રન થયો હતો.

Most Popular

To Top