National

દેશમાં રસીના 44 લાખ ડૉઝ નકામા ગયા,વેક્સિન ડોઝ નકામા ગયા હોવાના પાછળનું કારણ શું?

દેશમાં એક તરફ જ્યાં કોરોનાના કેસોમાં અવિરત વધારો થઇ રહ્યો છે એવામાં કોરોનાથી બચાવતી વેક્સિનના ડોઝ નકામા ગયા હોવાના અહેવાલ છે. અત્યાર સુધી વેક્સિનના 44 લાખ ડોઝ નકામા ગયા છે. આરટીઆઇ હેઠળ મળેલી માહિતી અનુસાર, 16 જાન્યુઆરીથી દેશમાં કોરોના સામે રસીકરણ અભિયાનની શરૂઆત થઇ હતી, પરંતુ છેલ્લા ત્રણ મહિના દરમિયાન 44 લાખથી વધુ ડોઝ નષ્ટ થયા હોવાની આ વાત ચિંતા પેદા કરી છે.

આરટીઆઇ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા એક જવાબ અનુસાર, 44 લાખ ડોઝમાંથી સૌથી વધુ 12.01 ડોઝ તમિલનાડુમાં બરબાદ થયા છે. ત્યારબાદ હરિયાણામાં 9.74 ટકા, પંજાબમાં 8.12, મણિપુરમાં 7.8 ટકા જ્યારે તેલંગાણામાં 7.55 ટકા ડોઝ નકામા ગયા છે. 11 એપ્રિલ સુધી રાજ્યોએ 10 કરોડ વેક્સિન ડોઝ આપ્યા હતા તેમાંથી 44 લાખ ડોઝ નકામા ગયા હોવાની માહિતી મળી છે.
આરટીઆઇ પ્રમાણે, અંદમાન અને નિકોબાર, દમણ અને દીવ, ગોવા, હિમાચલ પ્રદેશ, કેરળ,લક્ષદ્વીપ, મિઝોરમ અને પ.બંગાળમાં સૌથી ઓછા ડોઝ બરબાદ થયા છે.

આ માહિતી એવા સમયે આવી છે જ્યારે પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી જેવા રાજ્યોએ કેન્દ્ર સરકાર પર ગુજરાતની સરખામણીમાં ઓછી વેક્સિન મળી હોવાનો આરોપ લગાડ્યો છે.

વેક્સિન ડોઝ નકામા ગયા હોવાના પાછળનું કારણ શું?
રસીકરણ કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું હતું કે, શરૂઆતના દિવસોમાં લોકોએ વેક્સિન માટે ઓછો રસ દાખવ્યો હતો. રસીકરણ કેન્દ્રો પર ઓછા લોકો પહોંચતા હોવાને લીધે આ ડોઝ બરબાદ થયા હતા. રસીની એક શીશીમાં 10-12 ડોઝ હોય છે. એક વખત શીશી ખૂલ્યા બાદ તેનો અમુક કલાકમાં ઉપયોગ કરવાનો વોય છે. જો આ સમય દરમિયાન શીશી પૂરી ન થાય તો તે બેકાર થઇ જાય છે.

Most Popular

To Top