આજથી અહીંના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થયેલી પિન્ક બોલ ટેસ્ટમાં ભારતીય સ્પિનર અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડના બેટ્સમેનોને વધુ એકવાર ગરબા રમાડતા તેમનો પહેલો દાવ માત્ર 112 રનમાં સમેટાયો હતો.
મહત્વની વાત એ હતી કે ઇંગ્લેન્ડની ટીમ 48.4 ઓવરમાં તંબુભેગી થઇ હતી અને છેલ્લા 50 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં છઠ્ઠીવાર એવું બન્યું છે કે જ્યારે ઇંગ્લેન્ડની ટીમનો પહેલો દાવ 50 કરતાં ઓછી ઓવરોમાં સમટાઇ ગયો હોય.
ટોસ જીતીને જો રૂટે દાવ લેવાનો નિર્ણય કર્યા પછી પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા ઇશાંત શર્માએ મેચની ત્રીજી જ ઓવરમાં ડોમ સિબ્લેને સ્લીપમાં રોહિત શર્માના હાથમાં ઝડપાવીને ભારતીય ટીમને પહેલી સફળતા અપાવી હતી.
તે પછી સાતમી ઓવર ફેંકવા આવેલા અક્ષર પટેલે બેયરસ્ટોને શૂન્ય રને પેવેલિયન ભેગો કર્યો હતો. ક્રાઉલી અને રૂટે મળીને ત્રીજી વિકેટની ભાગીદારીમાં 47 રનની ભાગીદારી કરી હતી. સ્કોર 74 રન હતો ત્યારે રૂટ આઉટ થયો હતો અને તે પછી નિયમિત સમયાંતરે તેઓ વિકેટ ગુમાવતા રહેતા તેમનો દાવ માત્ર 112 રનમાં સમેટાઇ ગયો હતો.
ભારતીય ટીમ વતી અક્ષર પટેલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલી જ ટેસ્ટ રમતા જોરદાર બોલિંગ કરીને 21.4 ઓવરમાં માત્ર 38 રન આપીને 6 વિકેટ ઉપાડી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિને 16 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ ઉપાડી હતી જ્યારે એક વિકેટ ઇશાંત શર્માએ ઉપાડી હતી. ભારતીય ટીમે માત્ર ચાર જ બોલર પાસે બોલિંગ કરાવી હતી.