આણંદ: કરમસદમાં મકાન ભાડે રાખી રહેતા શખસે અલગ અલગ વ્યક્તિને સરકારી નોકરી અપાવવાના બહાને રૂ.14.35 લાખની છેતરપિંડી આચરી છે. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. જેમાં વડોદરા અને ગોધરાના લોકોને પણ ફસાવી કુલ 43 લાખ ઉપરાંતની છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત આ રકમ તેણે ડ્રીમ ઇલેવનના સટ્ટા પાછળ ઉડાડી દીધી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. બોરસદની સોમનાથ સોસાયટીમાં રહેતા સુનિતાબહેન હેમાંગકુમાર પટેલ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. તેઓએ સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી માટે સચિન પટેલ નામનો શખસ સેટીંગ કરી આપતો હોવાનું પતિને વાત કરી હતી.
આથી, તેઓ સચીન ગોરધન પટેલ (રહે.સાનિધ્ય સોસાયટી, કરમસદ)ને રૂબરૂ મળ્યાં હતાં. જ્યાં સચીન પટેલે ત્રણ મહિનામાં સરકારી નોકરી મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો અને રૂ. દોઢ લાખ લીધાં હતાં. જોકે, ત્રણ મહિનો સમય વિતિ ગયા બાદ પણ સચિને કામ કર્યું નહતું. આથી, તેના મોબાઇલ પર ફોન કરી પુછપરછ કરતાં તે ગલ્લા તલ્લા કરતો હતો. આથી, હેમાંગકુમાર પટેલ કરમસદ પહોંચી તપાસ કરતાં સચીન પટેલે મકાન ખાલી કરી દીધું હતું અને વોચમેને સચીન ભાડે રહેતો હોવાનું અને બીજે રહેવા જતો રહ્યો હોવાનું કહ્યું હતું. આથી, ચોંકી ગયેલા પતિ – પત્નીએ તેને શોધવા કોશીષ કરી હતી.
જોકે, સચીન પટેલ હાથમાં આવતો નહતો. આમ, સચીન પટેલે છેતરપિંડી કરી હોવાનું જણાયું હતું. આ અંગે તપાસ કરતાં સચિન પટેલે અન્ય કેટલીક વ્યક્તિ પાસે પણ છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું હતું. જેમાં દિનકરભાઈ સાથે રૂ.4.50 લાખ, કેતન ચૌહાણ સાથે રૂ.3.90 લાખ, કાજલબહેન સાથે રૂ.2.00 લાખ, કેતન પરમાર સાથે રૂ.2.00 લાખ ઉપરાંત મળી કુલ રૂ.14.35 લાખની છેતરપિંડી આચરી હતી. આ તમામ વ્યક્તિને તેણે નોકરી આપવાની લાલચ આપી હતી.
આ અંગે બોરસદ પોલીસે સચીન ગોરધનભાઈ પટેલ (મુળ રહે. નંદીસર, પંચમહાલ) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. બોરસદ પોલીસે સચિન પટેલની આગવી ઢબે પુછપરછ કરી હતી. જેમાં તેણે આણંદ ઉપરાંત ગોધરા અને વડોદરામાં પણ છેતરપિંડી આચરી હતી. જે રકમ 43 લાખ થવા જાય છે. આ બધી રકમ તેણે ક્યાં વાપરી તે અંગે પોલીસે તપાસ કરતાં બેન્ક સ્ટેટમેન્ટ મંગાવ્યું હતું. જેમાં આ રકમ ડ્રીમ ઇલેવનના સટ્ટા પાછળ ખર્ચી હોવાનું ખુલ્યું હતું. મોટા ભાગની રકમ સટ્ટામાં જ હારી ગયો હતો.