આકલાવ, તા.10
આંકલાવ તાલુકાના ખડોલ ગામમાં તળાવની ખુલ્લી જમીનમાં બિન અધિકૃત રીતે કબજો કરીને શોપિંગ કોમ્પલેક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. જેથી ખડોલ ગામમાં આ બાબતે ઘણો જ વિરોધ વંટોળ ઉભો થયો હતો. ગેરકાયદેસર કબજો કરીને શોપિંગ સેન્ટર હટાવવા બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આખરે તંત્રની કડક કાર્યવાહી પગલે દબાણવાળી જગ્યાના ત્રણ શોપિંગ કોમ્પલેક્ષ ધ્વસ્ત કરી દેવામા આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આંકલાવ તાલુકાના ખડોલ(હ) ગામની ભાગોળ પર આવેલા ગેરકાયદે ત્રણ શોપિંગ સેન્ટરનુ બાંધકામ કરવામાં આવ્યું હતું. ત્રણ શોપિંગ સેન્ટરમાં કુલ 42 દુકાનો બનાવવામાં આવી હતી. સદર દુકાનોમા વિવિધ ધંધા રોજગાર ધમધમતા હતા. પરંતુ તંત્ર દ્વારા તમામ 42 દુકાનો પર જેસીબી ફેરવી દેવાતાં સમગ્ર ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ત્રણ શોપીંગ સેન્ટરની કુલ 42 દુકાનો તોડી પાડતા ગામના લોકોની રોજગારી છીનવાઇ જતાં દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો
ખડોલ(હ)ના તળાવના સર્વે નંબર 793ની જમીન પર બીન અધિકૃત કબ્જો કરીને લાખો રૂપિયાના ખર્ચે 3 શોપિંગ સેન્ટરની 42 દુકાનો પર ગેરકાયદે થયેલા બાંધકામને લઈ અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી. આખરે બુધવારે સવારથી તંત્ર દબાણ થયેલ સ્થળે પહોંચીને દબાણ હટાવવાની કામગીરી કરી હતી. દબાણ હટાવવાની કામગીરી પ્રાંત અધિકારી તેમજ આંકલાવ મામલતદારની ટીમ તેમજ તાલુકા પંચાયત આંકલાવની ટીમની હાજરીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. દબાણવાળી જગ્યાના શોપિંગ સેન્ટરની 42 દુકાનો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંચાયત દ્વારા વર્ષ અગાઉ દબાણકર્તાઓને જાતે દબાણ દૂર કરવા માટે નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર ન કરતા તંત્ર દ્વારા 3 શોપિંગ સેંટરની 42 દુકાનો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. દબાણ હટાવવાની કામગીરી લઈને ગ્રામજનોના ટોળેટોળાં કામગીરી જોવા માટે ભેગા થયા હતા
ખડોલમાં ગેરકાયદે 42 દુકાન જમીનદોસ્ત કરાઇ
By
Posted on