સુરત: (Surat) 16મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની (Vaccination) કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સુરત શહેરમાં પ્રથમ તબક્કામાં 16મી તારીખથી 22 સ્થળો પર વેક્સિનેશનની કામગીરી શરૂ થશે. બુધવારે સવારે સુરતને 40,000 વેક્સિન ડોઝનો પહેલો લોટ મળ્યો હતો. આને માટેની તમામ તૈયારીઓ સુરત મહાનગર પાલિકા દ્વારા કરી લેવામાં આવી છે. પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટથી વેક્સિનનો જથ્થો મંગળવારે ગુજરાત (Gujarat) પહોંચી ચૂક્યો છે. હવે બુધવારે 40,000 વેક્સિનનો જથ્થો સુરત (Surat) મહાનગર પાલિકાને મળતા જ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા લોકો સુધી પહોંચાડવાની તૈયારી પર કરી લેવાઇ છે.
40,000 વેક્સિનનો જથ્થો સુરત પહોંચયો
શહેરમાં આગામી શનિવારથી વેક્સિનેશનની કામગીરી શરૂ થશે. જે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. બુધવારે સવારે 40,000 વેક્સિનનો જથ્થો સુરતમાં પહોંચયો હે. જેને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરાશે અને શનિવારથી હેલ્થ વર્કરો પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરાશે. શહેરમાં પ્રથમ દિવસે 2200 હેલ્થ વર્કરને રસી આપવામાં આવશે. શહેરના અડાજણ વિસ્તારમાં કોવિડ વેક્સિન સેન્ટ્રલ સ્ટોરેજ ડેપો બનાવવામાં આવ્યો છે. સેન્ટર ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. કોવિડ વેક્સિન સ્ટોરેજ સેન્ટર ખાતે 2થી 8 ડિગ્રી રહી શકે તેવા આઈસ લાઈન રેફ્રિજરેટર ગોઠવી દેવામાં આવ્યાં છે. તમામ વેક્સિનેશન સેન્ટર પર ચેકલિસ્ટ બનાવી તૈયાર કરી દેવાયાં છે.
આજે સવારે 11 વાગ્યે અમદાવાદથી 92,500 વેક્સિનનો જથ્થો સુરત પહોચ્યો છે. સૌપ્રથમ તમામ વેક્સિનને સિવિલ હોસ્પિટલ લઈ જવાઇ છે. સુરત મહાનગર પાલિકાને 40,000 વેક્સિનનો ડોઝ મળ્યા છે. ત્યારબાદ અડાજણ ખાતે કોવિડ વેક્સિન સેન્ટ્રલ સ્ટોરેજ ડેપોમાં આ વેક્સિનનો જથ્થો સ્ટોર કરાશે. ડેપોમાં એકસાથે 14 લાખ ડોઝની સ્ટોરેજની કેપેસિટી છે. ત્યારબાદ મનપા દ્વારા જે 22 સ્થળે વેક્સિનેશનની કામગીરી કરાશે તે સ્થળો પર ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવશે.
38,000 હેલ્થ વર્કરની યાદી તૈયાર કરાઈ
શહેરમાં સૌપ્રથમ હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવશે. જેમની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. શહેરમાં પ્રથમ તબક્કામાં ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવશે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 38,000 હેલ્થ વર્કર નોંધાયા છે. જેમાં 16,800 ખાનગી તેમજ 21,200 સરકારી હેલ્થ વર્કર નોંધાયા છે. પ્રથમ દિવસે 2200 હેલ્થ વર્કરને વેક્સિન મુકાશે.
વેક્સિનેશન માટે 22 સ્થળની યાદીને આખરી મંજૂરી મળી જશે
સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન માટે કુલ 518 સ્થળ નક્કી કરાયાં છે. જેમાં મનપાનાં હેલ્થ સેન્ટરો, આરોગ્ય કેન્દ્રો તેમજ શાળાઓ હશે. પરંતુ પ્રથમ તબક્કામાં 22 સ્થળ પરથી વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. 22 સ્થળો પરથી વેક્સિનેશનની કામગીરી થશે તેની યાદી સુરત મનપા દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે. જેને આજ સાંજ સુધીમાં રાજ્ય સરકારમાંથી આખરી મંજૂરી આપી દેવામાં આવશે તેમ જાણવામાં આવ્યું છે.