વલસાડ: વલસાડ ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતા વલસાડના કાશ્મીર નગર, વલસાડ પારડી, તળિયાવાડ, હનુમાન ભાગડા, ભદેલી જગાલાલા વગેરે વિસ્તારોમાં રાત્રી દરમિયાન લોકોનાં ઘરમાં પાણી ભરાયા હતા. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા 400 જેટલા લોકોનું વલસાડ પારડી પ્રાથમિક શાળા તથા રામલાલા હોલમાં સ્થળાંતર કરાયું હતું. કૈલાશ રોડ ઉપર ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ થતા 40 ગામના લોકોએ ફરીને જવા પડ્યું હતું. રાત્રિ દરમિયાન ભરાયેલા પાણીના કારણે નિચાણવાળા વિસ્તારોના લોકોએ ખૂબ હેરાન થવું પડ્યું હતું. જેને લઈને વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. અબ્રામા ખાતે આવેલો વોટર વોક્સ ડેમના 15 પગથિયા ઉપર પાણી આવી જતા શહેરના નીચેના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. રાત્રિ દરમિયાન પાણી ઉતરી ગયા બાદ રાત્રે ત્રણ વાગ્યે ફરી વોટર વોક્સ ડેમ 11 થી વધુ પગથિયા ઉપર પાણી ચઢતા વલસાડ કૈલાસ રોડ ઔરંગા નદીનો પુલ ફરી સવારે પાણીમાં ગરકાવ થયો હતો, ને ફરી સવારે પાણી ઉતરી ગયા બાદ રસ્તો ચાલુ કરાયો હતો. વલસાડના કાશ્મીર નગર, વલસાડ પારડી, તરીયાવાડ, હનુમાન ભાગડા વગેરે વિસ્તારમાં પાણી ઉતરી ગયા બાદ પાલિકા દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.
વલસાડમાં શનિ-રવિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. નદીના પાણી કેટલાક નીચાણ વાળા વિસ્તારમાં ફરી વળ્યા હતા, પરંતુ ત્યારબાદ ઔરંગાના પાણી ઓસરતા પૂરની પરિસ્થિતિ ટળી હતી. ત્યારબાદ સોમવારે વરસાદે મહત્તમ વિસ્તારોમાં વિરામ લેતાં જિલ્લામાં મોટી રાહત થઇ હતી. વલસાડમાં રવિવારે રાત્રે ભારે વરસાદના કારણે પૂરનું સંકટ તોળાતું હતુ. જોકે, સોમવારે સવારથી જિલ્લાના કપરાડા તાલુકા સિવાય અન્ય તાલુકામાં વરસાદે વિરામ લીધો હતો. કેટલાક ઠેકાણે છૂટો છવાયો ઝરમર વરસાદ વરસ્યો હતો. જોકે, એ સિવાય ખાસ વરસાદ ન આવતા રોડ સુકાયા હતા અને પાણી ઓસર્યા હતા. જેને લઇ જનજીવન થાળે પડ્યું હતુ. જેના પગલે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
હિંગળાજ ગામમાં ફસાઈ ગયેલા 7 લોકોનો અડધી રાત્રે NDRFએ રેસ્ક્યુ કર્યા
વલસાડની ઔરંગા નદીમાં આવેલા પુરને કારણે વલસાડના દરિયા કાંઠા વિસ્તારના હિંગળાજ ગામમાં આવેલા ઝીંગા ફાર્મની તળાવની પાર પર ફસાઈ ગયેલા 7 લોકોનો અડધી રાત્રે NDRF અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. દરિયા કાંઠા વિસ્તારના હિંગળાજ ગામમાં ઝીંગા ફાર્મના તળાવમાં સાત જણા ફસાઈ ગયા હતા. ત્યાં તળાવની આજુબાજુના વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા તેમનાથી બહાર નીકળી શકાયું ન હતું. વલસાડના મામલતદાર સહિત વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયા બાદ એનડીઆરએફની ટીમ દ્વારા તમામ સાત જણાને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવતા રાહતની લાગણી અનુભવાઈ હતી.
- વલસાડ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
- ધરમપુર- 4.2 ઇંચ
- પારડી- 3.8 ઇંચ
- વલસાડ- 3.6 ઇંચ
- વાપી- 3.4 ઇંચ
- કપરાડા- 3.2 ઇંચ
- ઉમરગામ- 1 ઇંચ
સ્થળાંતર થયેલા લોકોનું જીવન ધીમે ધીમે થાળે પડશે
વલસાડના કશ્મીર નગર તેમજ તરિયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેના કારણે 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું હતુ. જોકે, સોમવારે વરસાદે વિરામ લેતાં આ તમામ લોકોના ઘરમાંથી પાણી ઓસરતાં ત્યાં સાફ સફાઇ શરૂ કરાઇ હતી. તેમનું જીવન ધીમે ધીમે થાળે પડી રહ્યું છે.
97 પૈકી 44 માર્ગ ખુલ્યા, હજુ 53 બંધ
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે રવિવારે રાત સુધીમાં જિલ્લાના 97 માર્ગ બંધ થઇ ગયા હતા. ત્યારબાદ આજરોજ વરસાદે વિરામ લેતાં 44 માર્ગને ખુલ્લા કરી તેનું મરામત કાર્ય શરૂ કરાયું હતુ. જ્યારે સોમવારે સાંજ સુધી 53 માર્ગ હજુ પણ બંધ હોવાનું તંત્રે જણાવ્યું હતુ.
દમણમાં 4.19 ઈંચ વરસાદ નોંધાયો
દમણ : સંઘપ્રદેશ દમણમાં છેલ્લા 3 થી 4 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતની સાથે સંઘપ્રદેશ દાનહ અને દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી. ત્યારે શનિવાર રાતથી પંથકમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો. દમણમાં 24 કલાક દરમ્યાન 4.19 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે 1 જૂનથી અત્યાર સુધી દમણમાં ઋતુનો કુલ 74.24 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ધરમપુર સ્વર્ગવાહિની નદીના કોઝવે પર મોપેડ લઈ પસાર થતો યુવાન તણાયો
ધરમપુર : ધરમપુરના બજરંગ સો મિલની પાછળ રહેતો હિતેશ ભીખુ રાઠોડ ઓઝરપાડા ગામે વાડીલાલ કંપની સામે ચાની કેન્ટીન ચલાવે છે. તે સવારે ઘરેથી ઓઝરપાડા ગામે જવા માટે પોતાની મોપેડ લઇને નીકળ્યો હતો. કૈલાસરોડ સ્મશાન ભૂમિ પાસે સ્વર્ગવાહિની નદીના કોઝવેથી પસાર થતી વેળાએ મોપેડ ચાલક યુવાન હિતેશ રાઠોડ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો હતો. આજુબાજુના લોકોએ પોલીસ તંત્રને જાણ કરતાં ધરમપુરના પીઆઇ સૂરજસિંગ વસાવા તથા પીએસઆઇ એચ.કે.પટેલ, મામલતદાર પટેલ સહિત પોલીસનો કાફલો ધસી ગયો હતો. જ્યાં પાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહ શોધવાની તજવીજ હાથ ધરી કોઝવેના થોડા અંતરે સ્મશાન ભૂમિના પાછળના ભાગેથી ઝાડી ઝાંખરામાંથી 6 કલાકની જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો.
કપરાડામાં નદી કિનારે આવેલા ધાવલેશ્વર મંદિરની આજુ બાજુ પાણી ફરી વળ્યા
કપરાડા તાલુકામાં ઉપરવાસમા વરસી રહેલા ભારે વરસાદને લઈ નદી નાળા, કોઝવે ડૂબ્યા છે. ત્યારે આસલોણા ગામના વાગન ફળિયા નજીકથી પસાર થતી દમણ ગંગા નદી કિનારે આવેલા ધાવલેશ્વર મંદિરની આજુ બાજુ પાણી ફરી વળ્યા હતા.