આસામ: આસામના (Assam) મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) બુધવારે 17 જુલાઈના રોજ રાજ્યમાં બદલાતી ‘જનસંખ્યા’ પર મોટું નિવેદન આપ્યું હતું. તેમનું આ નિવેદન ઝારખંડના (Jharkhand) રાંચીમાં આયોજિત બેઠક દરમિયાન આવ્યું હતું. સીએમ સરમા ઝારખંડમાં બીજેપીના સહ-પ્રભારી પણ છે. ત્યારે પોતાના નિવેદનમાં હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો હતો કે આસામમાં મુસ્લિમ વસ્તી 40 ટકા જેટલી થઇ ગઈ છે.
હિમંતા બિસ્વા સરમાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “આસામની વસ્તીમાં ફેરફાર મારા માટે એક મોટો મુદ્દો છે. આજે આસામમાં મુસ્લિમ વસ્તી 40 ટકા પર પહોંચી ગઈ છે. 1951માં આ વસ્તી 12 ટકા હતી. આ સમયગાળા દરમિયાન અમે ઘણા જીલ્લાઓ પણ ગુમાવ્યા છે. આ જિલ્લાઓ મારા માટે રાજકારણનો વિષય નથી, પણ જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે.
આસામના મુખ્યમંત્રીએ કોઈપણ ધર્મનું નામ લીધા વિના કહ્યું કે, હું એવું નથી કહેતો કે કોઈ પણ અપરાધ કોઈ વિશેષ ધર્મ દ્વારા કરવામાં આવે છે, પરંતુ લોકસભાની ચૂંટણી દરમિયાન તાજેતરમાં બનેલી ઘટનાઓ ચિંતાનો વિષય છે.’’ આ ઉપરાંત ઝારખંડ પહોંચેલા સરમાને જ્યારે અહીં આવવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે મજાકમાં કહ્યું કે તેઓ ઝારખંડ રિચાર્જ કરવા માટે આવ્યા છે.
આ પહેલા 23 જૂને હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશી લઘુમતી સમુદાયના લોકોએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વોટ આપ્યો હતો. આ લોકોએ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની સરકારોના વિકાસ કાર્યોની અવગણના કરીને મતદાન કર્યું હતું. બિસ્વાએ એવો પણ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશી મૂળના લઘુમતીઓ એકમાત્ર સમુદાય છે જે રાજ્યમાં સાંપ્રદાયિકતામાં સામેલ છે.
ઝારખંડમાં વર્તમાન સરકાર સત્તામાંથી બહાર થઈ જશેઃ બિસ્વા
બિસ્વાએ વધુમાં કહ્યું હતું કે રાજ્યની વર્તમાન સરકાર ચૂંટણી બાદ સત્તામાંથી બહાર થઈ જશે તે નિશ્ચિત છે. ઝારખંડ આવ્યા બાદ તેઓ ઉર્જાથી ભરાઈ જાય છે. તેઓ અહીં વારંવાર આવવા માંગે છે. પાર્ટી ગત 5 જુલાઈથી રાજ્યના વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં બૂથ સ્તરના નેતાઓ અને કાર્યકર્તાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ચલાવી રહી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડી, વિપક્ષના નેતા અમર કુમાર બૌરી, કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો આ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે અને બૂથ સ્તર પર કાર્યકર્તાઓને ચૂંટણી તૈયારીઓ અંગે ટિપ્સ આપી રહ્યા છે.