સુરત: સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) પરથી આજે પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાંથી એક ટ્રાવેલિંગ અને ત્રણ સ્કૂલ બેગ બિનવારસી મળી આવી હતી. આ બેગની તપાસ કરતા તેમાંથી 40 કિલો ગાંજો મળી આવ્યો હતો. આ બેગ ટ્રેનમાં કોણ મુકી ગયું તે અંગે તપાસ ચાલી રહી છે.
પુરીથી ગાંધીધામ જતી વિકલી સુપરફાસ્ટ ટ્રેનમાં ગાંજાની તસ્કરી થતી હોવાની બાતમીના આધારે બરોડા રેન્જના એસઓજીનો કાફલો મહારાષ્ટ્રના નંદુરબારથી ટ્રેનમાં ચઢ્યો હતો. તેઓએ ટ્રેનમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેથી ગાંજાના તસ્કરોને પકડી શકાય.
દરમિયાન ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર પહોંચતા ટ્રેનના જનરલ કોચમાંથી એક ટ્રાવેલિંગ અને ત્રણ સ્કૂલ બેગ બિનવારસી હાલતમાં એસઓજીને મળી આવી હતી. આ બેગની તપાસ કરવામાં આવતા તેમાંથી 40 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ બેગ કોની હતી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. એસઓજીએ ગાંજો કબ્જામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. રેલવે એસઓજીને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
તમને જણાવી દઈએ કે સુરતમાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા શહેરમાં નો ડ્રગ્સ ઇન સિટી ઝુંબેશ ચલાવવામાં આવતા ડ્રગ્સ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જોકે ત્યારપછી પણ છૂટક છૂટક ડ્રગ્સ શહેરમાં ઘુસાડવાનું ચાલું રહેતા પોલીસની બાજ નજરે અનેક નાના મોટા કેસ કરીને પેડલરોની કમર ભાંગી નાખી છે. જેને લીધે શહેરમાં ડ્રગ્સનો ભાવ ચાર ગણો થઈ ગયો છે. જ્યાં 2 હજાર થી 2500 માં એક ગ્રામ ડ્રગ્સ મળતુ હતું તે હવે 7 થી 8 હજારમાં વેચાઈ રહ્યું છે. અને તેની ઉપર પણ પોલીસની નજર છે. ગાંજાનો ભાવ પણ ચાર ગણો કરીને નશાના સૌદાગરો તેનું વેચાણ કરી રહ્યા છે.