કોરોના મહામારી અને લૉકડાઉનના વર્ષ 2020માં 40 ભારતીયો અબજપતિઓની ક્લબમાં ઉમેરાયા હતા. આ સાથે દેશમાં અબજપતિઓની કુલ સંખ્યા વધીને 177 થઈ છે એમ એક હેવાલ જણાવે છે.
83 અબજ અમેરિકી ડૉલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી સૌથી ધનિક ભારતીય તરીકે જળવાઈ રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડાની સંપત્તિમાં 2020માં 24%નો ઉછાળો જોવા મળ્યો અને વિશ્વમાં સૌથી ધનિકોમાં આઠમા સ્થાને પહોંચી ગયા હતા એમ હુરુન ગ્લૉબલ રિચ લિસ્ટ જણાવે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતના ગૌતમ અદાણીની કિસ્મત ચમકી છે. 2020માં એમની સંપત્તિ લગભગ બમણી થઈને 32 અબજ ડૉલર થઈ હતી અને ભારતના ધનિકોમાં તેઓ બીજા સ્થાને છે. એમના ભાઈ વિનોદની સંપત્તિ 128% વધીને 9.8 ડૉલર થઈ હતી
હુરુન ઈન્ડિયાના એમડી અને મુખ્ય સંશોધક એનસ રહેમાન જુનૈદે કહ્યું કે અમેરિકા અને ચીનમાં ટેકનોલોજી સંચાલિત સંપત્તિ સર્જનની સરખામણીએ ભારતમાં સંપત્તિ સર્જન પર પરંપરાગત ઉદ્યોગોનું વર્ચસ્વ રહ્યું.જ્યારે પણ ટેકનોલોજી ચાલિત સંપત્તિ સર્જન એની પૂર્ણ સંભાવનાઓએ પહોંચશે ત્યારે ભારત અબજપતિઓની સંખ્યા મામલે અમેરિકાને હરાવી શકે છે.
આઈટી કંપની એચસીએલના શિવ નાદર 27 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના અબજોપતિઓની યાદીમાં ત્રીજા સ્થાને છે.આનંદ મહિન્દ્રાની મહિન્દ્રા ગ્રુપની સંપત્તિમાં પણ 100 ટકાનો વધારો થયો છે અને તે વધીને 2.4 અબજ ડોલર થઈ છે.
બાયકોનની કિરણ મઝુમદારની સંપત્તિ 41 ટકા વધીને 4.8 અબજ ડોલર થઈ છે.
તો, આ સમયગાળા દરમિયાન પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણની સંપત્તિ 32 ટકા ઘટીને 3.6 અબજ ડોલર થઈ છે.સોફ્ટવેર કંપની ઝેડક્લેરના જય ચૌધરીની સંપત્તિ આ સમયગાળા દરમિયાન 274 ટકા વધી 13 અબજ ડોલર થઈ છે