ઇપીએફઓમાં નોંધાયેલા દેશના લગભગ ૪૦ લાખ કર્મચારીઓના પીએફ ખાતામાં હાલ વ્યાજ ઉમેરવામાં આવ્યું નથી કારણ કે આ કર્મચારીઓની ઓળખની ઇપીએફઓમાં નોંધાયેલી વિગતો અને તેમની નોકરીદાતા સંસ્થામાં નોંધાયેલી વિગતો મેળ ખાતી નથી.
આ કર્મચારીઓનું કેવાયસી અપડેટ થયું નથી અને આને કારણે આ વિગતોમાં વિસંગતતા જણાય છે. આ કારણોસર આવા કર્મચારીઓનું વ્યાજ અટકાવી દેવામાં આવ્યું છે. સરકારે ૨૦૧૯-૨૦ માટેનું વ્યાજ ચુકવવાની જાહેરાત કરી તેના લગભગ દોઢ મહિના પછી પણ આ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ ખાતામાં આ વ્યાજ જમા થયું નથી.
આ અપડેટ કરવામાં આવે તે માટે ઇપીએફઓના ફિલ્ડ ઓફિસરો આવા કર્મચારીઓ જ્યાં નોકરી કરે છે તે સંસ્થાઓનો સંપર્ક કરી રહ્યા છે એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. ઇપીએફઓ દ્વારા પીએફ પર વ્યાજ વ્યક્તિગત રીતે નહીં પણ સંસ્થા મુજબ જમા કરવામાં આવે છે એમ બે સરકારી અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.
જો સંસ્થા દ્વારા અપાયેલ કર્મચારીની વિગત અને ઇપીએફઓમાં તેની નોંધાયેલી વિગત વચ્ચે મેળ ખાતો નહીં હોય તો વ્યાજ અટકાવી દેવાનો નિર્ણય લેવાયો છે અને કોઇ સંસ્થાના થોડા કર્મચારીઓની આવી વિગતો પણ મેળ ખાતી ન હોય તે સંસ્થાના તમામ કર્મચારીઓના ખાતામાં વ્યાજ ઉમેરવાનું અટકાવી દેવામાં આવે છે.