Gujarat

રાજકોટમાં માત્ર 1 ઈંચ વરસાદમાં 4 સ્કૂલ બસ કાદવમાં ફસાઈ, જામનગરના કાલાવડમાં પુલ તુટ્યો

રાજકોટ: ગરમીથી અકળામણ અનુભવતા રાજ્યના લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. આખરે છેલ્લાં બે દિવસથી રાજ્યમાં વરસાદ શરૂ થયો છે, પરંતુ મહાનગર પાલિકાઓની લાપરવાહ પ્રીમોન્સુન કામગીરીના લીધે વરસાદના પહેલાં રાઉન્ડમાં જ રાજ્યના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

એક તરફ સુરતમાં જ્યાં પોલા રસ્તાઓ વરસાદી પાણીના લીધે બેસવા લાગ્યા છે તો બીજી તરફ રાજકોટમાં માત્ર 1 ઈંચ વરસાદમાં ઠેરઠેર કાદવ અને પાણીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના લીધે આજે સોમવારે વહેલી સવારે ત્રણ સ્કૂલ બસ અને ચારથી વધુ કાર રસ્તાના કાદવમાં ફસાઈ હતી.

રાજકોટ શહેરમાં ગઈકાલે રવિવારે સાંજે પડેલા એક ઇંચ વરસાદ બાદ આજે સોમવારે બીજા દિવસે સવારથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં વહેલી સવારે એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જોકે, માત્ર 1 ઈંચ વરસાદે જ રાજકોટ મનપા તંત્રની પોલ ખોલી નાખી છે.

તંત્રએ કરેલા પ્રિ-મોન્સૂનના દાવા પોકળ સાબિત થયા છે. આજે સવારે અલગ અલગ ત્રણ વિસ્તારોમાં બાળકોને લેવા જતી સ્કૂલ બસ કાદવમાં ફસાઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ હજુ પણ રસ્તા પર વરસાદી પાણી વહેતા જોવા મળી રહ્યા છે.

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં નચિકેતા સ્કૂલની બસ કાદવમાં ફસાઇ ગઈ હતી. આ વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ કાદવ જામ્યું છે. જ્યારે મોદી સ્કૂલની બસ દોશી હોસ્પિટલ નજીક વિસ્તારમાં કાદવમાં ફસાઈ હતી. તેમજ મોટા મવા વિસ્તારમાં આવેલી રુચિ રેસિડેન્સી પાસે ગ્રીનવૂડ ઇન્ટરનેશનલ સ્કૂલની બસ કાદવમાં ફસાઇ હતી.

મહામહેનતે આ બસોને કાદવમાંથી બહાર કાઢી બાળકોને સ્કૂલે લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ વિસ્તારમાં કાદવમાં અનેક કાર પણ ફસાઈ ગઈ હતી.  150 ફૂટ રિંગ રોડ પર બે કાર તેમજ નાના મવા રોડ પર મોકાજી સર્કલ નજીક વિસ્તારમાં બે કાર કાદવમાં ફસાઇ હતી. જેની પાછળનું કારણ મનપા દ્વારા આડેધડ રોડનું કરવામાં આવેલ ખોદકામ જવાબદાર હોવાનું લોકો જણાવી રહ્યા છે.

કાલાવડમાં પુલ તુટ્યો, સ્કૂલ બસ અટવાઈ
ભારે વરસાદના લીધે જામનગરના કાલાવડમાં પૂલ તૂટ્યો હતો. જેથી એક સ્કૂલ બસ અટવાઈ હતી. જેને પગલે બાળકો ફસાઈ ગયા હતા. જેથી ગ્રામજનોએ બાળકોનું રેસ્ક્યૂ કર્યુ હતું. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કવાંટની કરા અને અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેમજ બરવાળાના ચોકડી ગામે વીજળી પડતાં યુવાનનું મોત થયું હતું. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની એના નદીમાં પૂર આવ્યું હતું.

Most Popular

To Top