Vadodara

માસ્ક વગર 4 સવારી મોપેડને પકડતાં પોલીસ પર પથ્થરમારો

વડોદરા : શહેરના આર.વી. દેસાઇ રોડ પર ટુ-વ્હીલર પર જતા 4 બાઈક સવાર સહિત 6 શખ્સોએ રાત્રી કર્ફ્યુ દરમિયાન ફરજ પર હાજર પોલીસ સાથે ઝપાઝપી કરીને અભદ્ર ભાષામાં વાતચીત કરી હતી. એટલું જ નહિ PCR વાન પર પથ્થરમારો કરીને ભાગી છૂટ્યા હતા. જે પૈકી પોલીસે 2આરોપીને ઝડપી પાડ્યા છે અને 4 આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે તમામ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

નવાપુરા પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર રમેશભાઇ 3 જુલાઇના રોજ રાત્રે 11:45 વાગ્યે આર.વી. દેસાઇ રોડ પર અન્ય સ્ટાફ સાથે હાજર હતા. તે સમયે શક્તિકૃપા સર્કલ તરફથી એક ટુ-વ્હીલર ચાલક કોઇ કારણ વગર હોર્ન વગાડતો પૂરઝડપે આવી રહ્યો હતો. જેથી તેમણે તેને રોક્યો હતો. બાઇક પર 4 લોકો બેઠેલા હતા અને તેઓએ માસ્ક પણ પહેર્યા ન હતા. જેથી પોલીસે માસ્ક પહેરવાનું કહીને ટુ-વ્હીલરના કાગળો અને લાઇસન્સ માગ્યું હતું.

આ દરમિયાનન પ્રતાપનગર બ્રિજ પાસેથી એક વ્યક્તિ દોડીને આવ્યો હતો અને પોલીસને કહ્યું હતું કે, તમે પોલીસે આ લોકોને કેમ રોક્યા છે. બધાને જવા દો. જેથી અમે તે વ્યક્તિને કહ્યું હતું કે, તમે પણ માસ્ક પહેર્યું નથી. તમારૂ નામ શું છે. આ વખતે બીજો એક વ્યક્તિ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને ફરજ પર હાજર પોલીસ જવાન સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો અને પકડાયેલા લોકોને છોડી મૂકો તેમ કહીને તેમને તથા પોલીસ વિરૂદ્ધ અપશબ્દો બોલવા લાગ્યો હતો.

દરમિયાન તમામ શખ્સો પોલીસ સાથે ઝપાઝપી કરીને  ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે તે લોકોનો પીછો કરતા પીસીઆર વાન પર છૂટ્ટા પથ્થરો ફેંક્યા હતા. પોલીસે પીછો કરતા 2 શખ્સ પકડાઇ ગયા હતા. જેમાં અજીતસિંહ રાઠોડ અને અક્ષય ગોવિંદસિંહ રાઉલજીનો સમાવેશ થાય છે. પોલીસે બંનેની ધરપકડ કરી હતી તેમજ અન્ય સદામહંમદ ઇકબાલક્ષણ પઠાણ, ધવલ રાઠોડ, નોમાન નાસીરખાન પઠાણ અને ગૌતમ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી  ફરાર થઇ ગયેલાની શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top