નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ (New zealand) સામેની ટેસ્ટ સિરીઝ (Test Series) બાદ હવે ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ (Indian Cricket Team) દક્ષિણ આફ્રિકાના પ્રવાસે (South Africa tour) જઈ રહી છે. આ પ્રવાસ પહેલાં જ ભારતીય ટીમને આઘાત લાગ્યો છે. ન્યૂઝીલેન્ડની ટેસ્ટ શ્રેણીમાં સારું પ્રદર્શન કરનારા 4 ખેલાડીઓ ઈન્જર્ડ (Players injured) થઈ ગયા છે, જેના લીધે ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી ગઈ છે. આ ચારેય ખેલાડીઓ સાઉથ આફ્રિકાની ટુરમાં નહીં જોડાય તે લગભગ નક્કી જ થઈ ગયું છે, ત્યારે આ ખેલાડીઓને સ્થાને કયા ખેલાડીઓને લઈ જવા તે અંગે વિચારણા શરૂ થઈ ગઈ છે.
શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને ઈશાંત શર્મા સંપૂર્ણ રીતે ફિટ નથી અને તેમને સંપૂર્ણ ફિટનેસ પ્રાપ્ત કરવામાં સમય લાગશે, તેથી ચારેયને ફિટનેસના કારણે ટીમમાંથી બહાર થવું પડી શકે છે. રવિન્દ્ર જાડેજા કાનપુર ટેસ્ટમાં ઈન્જર્ડ થયો હતો. તેના પગલે તે મુંબઈ ટેસ્ટ રમી શક્યો નહોતો. તેના ખભામાં ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, ઈશાંત ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં એક પણ વિકેટ લઈ શક્યો ન હતો અને ફિટનેસના કારણે બીજી મેચમાં પણ રમી શક્યો ન હતો. જ્યારે અક્ષર અને જાડેજા તેમના પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા, ત્યારે ફિટનેસ તેમના માટે માથાનો દુ:ખાવો બની શકે છે. બીજી ટેસ્ટ દરમિયાન શુભમનને પણ ઈજા થઈ હતી. આ કારણોસર, તે બીજી ઇનિંગમાં મયંક અગ્રવાલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શક્યો ન હતો અને ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો.
મોહમ્મદ સિરાજે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં સારી બોલિંગ કરી હતી, તેથી ટીમમાં તેની પસંદગી લગભગ નિશ્ચિત જણાઈ રહી છે. ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ત્રણ ટેસ્ટ અને ત્રણ વનડે રમવાની છે. અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાનું ખરાબ ફોર્મ તેમને ટીમમાંથી બહાર કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા અથવા કેએલ રાહુલને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમના વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી શકે છે.