નવી દિલ્હી: ઉત્તરાખંડના (Uttarakhand) રૂદ્રપ્રયાગમાં ગુરુવાર અને શુક્રવારે વહેલી સવારે મુશળધાર વરસાદ ત્રાટક્યો હતો. ત્યારે ગત રાત્રે ભારે વરસાદને કારણે અહીંના એક પહાડમાં ભૂસ્ખલન (Landslide) થયું હતું. તેમજ આ ભૂસ્ખલનના કાટમાળમાં ચાર લોકો દટાયા હતા. દરમિયાન ઘટનાની જાણ થતા જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે આ ઓપરેશનમાં રેસ્ક્યુ ટીમને સફળતા મળી ન હતી.
ઘટનાની વિસ્તૃત માહિતી મુજબ ગત મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ ઉત્તરાખંડના ફાટા હેલિપેડની સામે ખાટ ગડેરેમાં ભૂસ્ખલન થયું હતું. ત્યારે ભૂસ્ખલનના કાટમાળમાં 4 લોકો દટાઇ ગયા હતા. જેથી સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. આ પછી સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાની જાણ રેસ્ક્યુ ટીમને કરી હતી. ત્યારે ઉત્તરાખંડની રેસ્ક્યુ ટીમને તરત જ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ રેસ્ક્યુ ટીમએ આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. જો કે આખી રાતના રેસ્ક્યુ ઓપરેશન બાદ પણ કોઈનો જીવ બચ્યો ન હતો. તેમજ રેસ્ક્યુ ટીમે ચારેય લોકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા.
ઘટનાની માહિતી આપતા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવરે જણાવ્યું હતું કે શુક્રવારે 23 ઓગસ્ટના રોજ પરોઢે 1.20 કલાકે ફાંટા હેલિપેડ નજીક ખાટ ગડેરે પાસે ભૂસ્ખલન થતા 4 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની માહિતી મળી હતી. ત્યારે માહિતી મળતાની સાથે જ રાહત અને બચાવ કાર્ય માટે રેસ્ક્યુ ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી, આ ટીમોએ ઘટના સ્થળ પર પહોંચતા જ દટાયેલા લોકોને બચાવવાનું કામ શરૂ કરી દીધુ હતું. ત્યારે રેસ્ક્યુ ટીમએ 4 લોકોના મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. આ 4 મૃતદેહોને પોલીસે રિકવર કર્યા હતા ત્યાર બાદ તમામને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
મૃતકો નેપાળી હતા
નંદન સિંહ રાજવરે વધુમાં કહ્યું હતું કે કાટમાળ નીચે દટાયેલા લોકોના મૃતદેહોને રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યા હતા. ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો નેપાળના હતા, જેમાં તુલ બહાદુર, પૂરના નેપાળી, કિષ્ના પરિહાર અને દીપક બુરાનો સમાવેશ થાય છે. તેમજ રેસ્ક્યુ ઓપરેશનને પૂર્ણ કરનાર બચાવ ટીમમાં SDRF પોલીસ અને DDRFના જવાનો સામેલ હતા.
ભારે હાલાકી બાદ પણ બચાવ ટીમને સફળતા ન મળી
સતત ભારે વરસાદ વચ્ચે ગુરુવારે મધરાત્રે 1:15 વાગ્યાની આસપાસ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે ઉત્તરાખંડની તમામ રેસ્ક્યુ ટીમોએ પરસ્પર સંકલન સાથે કામ કર્યું હતું. પરંતુ ભારે હાલાકી અને મહેનત બાદ પણ રેસ્ક્યુ ટીમો કાટમાળ નીચે દટાયેલા લોકોને જીવીત બહાર કાઢવામાં અસફળ રહી હતી.