National

મહારાષ્ટ્રમાં નદીઓ છલકાઈ: હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ(Heavy Rain)ની હવામાન વિભાગે(Department of Meteorology) આગાહી કરી છે. હવામાન વિભાગે કોંકણ(Konkan), મધ્ય મહારાષ્ટ્ર સહિત મરાઠવાડાના કેટલાક જિલ્લાઓમાં 8મી જુલાઈ સુધી મુશળધાર વરસાદની ચેતવણી આપી છે. મુંબઈ-થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. મુંબઈમાં સતત થઈ રહેલા વરસાદને કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ચેમ્બુર, બાંદ્રા, સાયન, માટુંગા, અંધેરી, વડાલામાં પાણી ભરાઈ ગયા હતા. સાથે જ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆતમાં જ વરસાદથી 65 લોકોના મોત થયા છે.

કોલ્હાપુર પંચગંગા નદીના જળસ્તરમાં વધારો
સતત બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે કોલ્હાપુર જિલ્લામાં પંચગંગા નદી(River Overflow) ઓવરફ્લો થઈ છે, જેના કારણે જિલ્લાની તમામ નદીઓના જળસ્તર ઝડપથી વધી રહ્યા છે. નદીના પાણી ફેલાઈ જતાં 40થી વધુ ગામોનો સીધો સંપર્ક તૂટી ગયો હતો અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા લોકો મજબૂર બન્યા છે. છેલ્લા 24 કલાકમાં ગગનબાવડા તાલુકા સહિત જિલ્લાના 11 ડેમ વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. જિલ્લા વહીવટી તંત્રની માંગણી મુજબ ગઈકાલે એનડીઆરએફની બે ટીમ પહોંચી ગઈ છે.

સાંગલીમાં કૃષ્ણા નદીનું જળસ્તર વધ્યું
સાંગલી જિલ્લામાં કૃષ્ણા અને વરાણા નદીના જળસ્તરમાં વધારો થયો છે. શિરાલા અને વલવા તાલુકા તેમજ જિલ્લાના કોયના અને વરણા ડેમમાં ભારે વરસાદથી જળ સપાટી વધી છે. પુણેમાં આજે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે અને જિલ્લા વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. જિલ્લાના લોનાવાલા મૂળશી ભોર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

રાજાપુર શહેરમાં પૂરનો ભય
મહારાષ્ટ્રના રાજાપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અર્જુન નદી અને અન્ય નદીઓમાં પૂર આવ્યું છે. જેના પગલે લગભગ બે હેક્ટર વિસ્તારનો પાક નાશ પામ્યો છે અને રાજાપુર શહેર પૂરનો ભય ફેલાયો છે. જો આમ જ વરસાદ ચાલુ રહેશે તો રાજાપુર બજાર પાણીમાં ગરકાવ થઈ જશે. રાયગઢ જિલ્લાના મહાડ તાલુકામાં અનેક જગ્યાએ વરસાદી પાણી જમા થયા છે. અંબેટ નાંદવી ઘાટ પર ભૂસ્ખલન થતાં માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

દક્ષિણ કોંકણમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ
દક્ષિણ કોંકણના રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓના જળસ્તરમાં વધારો થવાને કારણે કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે.રાજ્ય સરકારના નિર્દેશો અનુસાર ત્રણેય જિલ્લામાં NDRF અને SDRF એકમો સાથે જિલ્લા વહીવટી તંત્રની રાહત અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે.

માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર, પુણે, નાસિક, નંદુરબાર અને દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્ર, સાતારા અને કોલ્હાપુર જિલ્લાના ઘાટ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠે માછીમારી ન કરવા નિર્દેશ આપ્યો છે.

Most Popular

To Top