નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના નાલપુરમાં આજે સવારે એક મોટો રેલવે અકસ્માત થયો હતો, જ્યાં સિકંદરાબાદથી શાલીમાર જતી એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના સવારે 5.31 વાગ્યાની આસપાસ બની હતી. એક પાર્સલ વાન સહિત 3 કોચ પાટા પરથી ઉતરી ગયા. રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે. રેલવે અને સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં વ્યસ્ત છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી.
આ દુર્ઘટના હાવડા-ખડગપુર રેલ્વે માર્ગ પર થઈ જ્યાં અચાનક ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. ટ્રેનમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. રેલવે પ્રોટેક્શન ફોર્સ સ્થાનિક પોલીસ અને ઈમરજન્સી સર્વિસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. તમામ અસરગ્રસ્ત મુસાફરોને ધીમે ધીમે બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઘણા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે, જેમને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
ઘણા મુસાફરોએ જણાવ્યું કે ઘટના સમયે અચાનક જોરદાર અવાજ આવ્યો અને ટ્રેન ધક્કો મારીને ઊભી રહી ગઈ. દરમિયાન રેલ્વેએ હાવડા-ખડગપુર રૂટ પર ટ્રેનોની અવરજવરને અસ્થાયી રૂપે અટકાવી દીધી છે. આજે તા. 9 નવેમ્બરને શનિવારની સવારે 5:31 વાગ્યે ખડગપુર ડિવિઝનના નાલપુર સ્ટેશન પરથી પસાર થતી વખતે એક પાર્સલ વાન અને 22850 સિકંદરાબાદ-શાલીમાર વીકલી એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
આ અકસ્માતમાં કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી. સંત્રાગાચી અને ખડગપુરથી અકસ્માત રાહત ટ્રેનો અને તબીબી રાહત ટ્રેનો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.