Gujarat

અમરેલીમાં કાર લોક થઇ જતાં ગૂંગળામણના કારણે ચાર બાળકોના મોત

અમરેલીમાં નવા વર્ષે અત્યંત દુઃખદ ઘટના બની છે. અહીંના રાંઢીયા ગામમાં કારની અંદર લોક થયા બાદ ગૂંગળામણના કારણે ચાર બાળકોના મોત થયા છે. નવા વર્ષના દિવસે રમતા રમતા બાળકો ચાવીથી કાર ખોલીને અંદર બેઠા હતા. ઘટના બની ત્યારે માતા પિતા અન્ય વિસ્તારમાં મજૂરીના કામ માટે ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 2 નવેમ્બરના રોજ નવા વર્ષનો દિવસ અમરેલીના પરિવારના માટે કાળ બનીને આવ્યો હતો. તાલુકાના રાંઢીયા ગામ નજીક આવેલા વાડી વિસ્તારમાં કારમાં 4 બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન કારનો દરવાજો લોક થઇ જતાં એક જ પરિવારના 4 બાળકોના ગુંગળામણના લીધે મોતને ભેટ્યા હતા. આ બનાવ બન્યો તે સમયે માતા પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા. આ પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે.

આ અંગે ડીવાયએએપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે અમરેલી તાલુકાના રાંઢિયા ગામે ભરતભાઇ માંડાણીના ખેતરમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના સોબિયાભાઇ મછારને સાત બાળકો છે. ગત બે તારીખ અને શનિવારના રોજ સોબિયાભાઇ અને તેમનાં પત્ની ખેતમજૂરી કરતાં હતાં, જ્યારે તેમનાં બાળકો ઘરે હતાં. એ દરમિયાન વાડી માલિકની આઇ-20 કારને ચાવીથી ખોલીને તેમનાં ચાર બાળકો રમવા ગયાં હતાં. આ દરમિયાન કાર લોક થઇ ગઇ હતી.

સાંજે તેમનાં માતા-પિતા ખેતમજૂરી કરીને ઘરે આવ્યાં ત્યારે તેમની સાત અને ચાર વર્ષની બે દીકરી જેમનાં નામ સુનિતા અને સાવિત્રી, જ્યારે બે વર્ષ અને પાંચ વર્ષના કાર્તિક અને વિષ્ણુ નામના બે પુત્ર, આમ ચારેય બાળકોનાં કારમાં ગૂંગળામણને કારણે મોત થયાં હોવાની જાણ થઇ હતી. અત્યારે તાલુકા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

આ અંગે વાડી માલિક ભરતભાઈએ જણાવ્યું કે, મારે ત્યા મધ્યપ્રદેશથી 7 બાળકો સાથે એક પરિવાર મારી વાડીએ ભાગીયા તરીકે ખેત મજૂરી અર્થે આવ્યાં હતા. મે વાડીમાં ગાડી પાર્ક કરીને રાખી હતી. ત્યારે તેઓના બાળકો મારી ગાડીનો લોક ખોલીને અંદર બેસી ગયા હતા. જેથી લોક ન ખુલતા ગુંગળાઈ જવાથી મૃત્યુ પામેલ છે, સાંજે અમને જાણ થતાં અમે સરપંચને અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. જે બાદ અમરેલી હોસ્પિટલમાં લાશને પીએમ અર્થે ખસેડી હતી. ત્યારબાદ તે પરિવારની વતનમાં જવાની વ્યવસ્થા કરી આપી હતી.

Most Popular

To Top