SURAT

2016માં રદ્દ થયેલી 500-1000ની નોટની કાળાબજારી હજુ ચાલી રહી છે!?, ડુમસમાં 4 પકડાયા

સુરત: વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા 500 અને 1000ની નોટોને ચલણમાંથી રદ કરી હતી. આ બંને ચલણી નોટોનો 100 ટકા સ્ટોક રિઝર્વ બેન્ક પાસે પહોંચી ગયો છે, તેમ છતાં હજુ પણ રદ્દ થયેલી ચલણી નોટોનો કાળાબજાર ચાલી રહ્યો છે.

  • આઠ વર્ષ પહેલાં રદ્દ થયેલી ચલણી નોટોનો સ્ટોક સુરતના ડુમસમાંથી મળ્યો
  • રૂપિયા 75 લાખની જૂની ચલણી નોટો સાથે 4 આરોપી પકડાયા

નોટો રદ્દ થયાના આઠ વર્ષ બાદ પણ બંને નોટોનો સ્ટોક મળી રહ્યો છે. સુરત પોલીસે શહેરના ડુમસ વિસ્તારમાંથી 500 અને 1000ની જૂની ચલણી નોટો સાથે 4ને પક્ડયા છે, તેઓ પાસેથી 75 લાખ મળી આવ્યા છે.

ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભીમપોર ગામના બાવળ ફળિયામાં રેડ કરવામાં આવી હતી. જ્યાં ચાર ઈસમો પાસેથી ભારત સરકાર દ્વારા રદ્દ કરવામાં આવેલી 500ના દરની 14 હજાર નોટ જેની કિંમત 70 લાખ અને 1000ના દરની 500 નોટ જેની કિંમત 5 લાખ મળી કુલ 14,500 નોટ જેની કિંમત 75 લાખ થાય છે. તેને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જૂની ચલણી નોટો સાથે નરેશ રણછોડ પટેલ, વિનીત રજનીકાંત દેસાઈ, મોહમંદ સાદિક મોહમંદ સફી શેખ અને મનિશકુમાર મારકન્ડેયસિંહ રાજપૂતની ધરપકડ કરી છે.

ચલણી નોટોનું શું કરવાના હતા તે દિશામાં તપાસ
આઠ વર્ષ પહેલાં રદ્દ થયેલી 75 લાખની માતબર રકમની નોટો હજુ સુધી કેમ છુપાવી રાખી હતી. આ નોટોનું પકડાયેલા આરોપીઓ શું કરવાના હતા? તે દિશામાં સુરત પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top