Gujarat

કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા સરકાર તમામ તૈયારીઓ કરી લે: હાઈકોર્ટ

કોરોનાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતાં કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા સરકાર તમામ તૈયારીઓ કરી દેવી જોઈએ. લોકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની છે.

હાઇકોર્ટ વધુમાં કહ્યું હતું કે ‘અમે આદેશ નહીં સૂચનાઓ આપી હતી, સરકારે વ્યવસ્થા કરવી કરવી જોઈએ. અમે તમારી તમામ બાબતોને ગંભીરતાથી લઈએ છીએ. તેનો ઝડપી ઉકેલ આવે, તેવા પ્રયાસો કરવા જોઈએ, અને લોકોને તમામને સુવિધાઓ મળવી જોઈએ.’ બીજી તરફ અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે હાઇકોર્ટની ટકોર છતાં પણ હજુ સુધી રાજ્યમાં વૃદ્ધાશ્રમો, નારી નિકેતનો અને જુવેનાઈલ સેન્ટરોમાં વેક્સિનેશન શરૂ થયું નથી. હાઇકોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં તેનો ઉલ્લેખ કર્યો છે, તેઓએ એફિડેવિટમાં જણાવ્યું છે કે, વેક્સિનેશન અને અન્ય સુવિધાઓ આપવામાં આવી છે.

મ્યુકરમાઈકોસિસની સારવાર પણ પુરતી મળતી નથી, વેક્સિનેશનની કોઈ ચોક્કસ પોલિસી નથી

અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે વેક્સિનેશનની કોઈ ચોક્કસ પોલિસી નથી, ક્યારેક આઠ સપ્તાહ, ક્યારેક બાર સપ્તાહે વેક્સિન લેવાની. કોઈ ચોક્કસ પોલીસી ન હોવાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. જો ચોક્કસ પોલીસી બનાવવામાં આવે તો લોકોને વધુ સરળતા મળી રહેશે. આ ઉપરાંત મ્યુકરમાઈકોસિસની સારવાર પણ પુરતી મળતી નથી. સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરતાં કહ્યું હતું કે દિવ્યાંગ બાળકો, ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં સારવાર માટે કોઈ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી.

પારસી કોવિડ મૃતકના અંતિમ સંસ્કાર ધાર્મિક વિધિ મુજબ કરવા દેવા

વધુમાં અન્ય એડવોકેટે રજૂઆત કરી હતી કે પારસીઓને તેમની ધાર્મિક વિધિ મુજબ કોવિડ બોડીના અંતિમ સંસ્કાર કરવા દેવામાં આવે, કોરોના ડેડબોડીથી સંક્રમણ વધે છે, એવા કોઈ સાયન્ટિફિક ડેટા છે જ નહીં. લોકોની ધાર્મિક બાબતોને ધ્યાનમાં લઇ નિર્ણય લેવો જોઈએ.

સરકારે સોગંદનામામાં દર્શાવેલી વિગત

સરકાર તરફથી સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું જેમાં, કોરોના રસી, મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શનની ફાળવણી, ગ્રામ્ય વિસ્તારોમાં રસી, દવાઓની સ્થિતિ અંગેનાં પગલાઓ લેવામાં આવ્યાં છે. તેમજ આદિવાસી વિસ્તારમાં ૩૦ હજારની વસ્તી સામે 1 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. જ્યારે ૨૦ હજારની વસ્તી સામે એક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકોએ વેક્સિન આપી છે અને 1 એપ્રિલથી 13 જૂન સુધીમાં કેન્દ્ર સરકારે રાજ્યને કુલ 54,411 મ્યુકમાઇકોસિસના ઇન્જેક્શન આપ્યાં હતાં.

Most Popular

To Top