દાહોદ: દાહોદ શહેરમાં ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બે કોન્ટ્રાક્ટર અને એક મહિલા મળી ત્રણ જણાએ દાહોદ શહેરમાં આવેલ ઉસરવાણ સાયન્સ કોલેજની બાજુમાં નિર્માણ રીયાલીટી નામની ભાગીદારી પેઢી દ્વારા સંગાથ નામનું એપાર્ટમેન્ટ બનાવવાના હોઈ આ એપાર્ટમેન્ટમાં એક માળમાં એક ગ્રાહકને આપી ખોટા વેચાણ દસ્તાવેજ બનાવી ગ્રાહક પાસેથી કુલ રૂા.૮,૫૧,૦૦૦ પડાવી લઈ આજદિન સુધી ફ્લેટ નહીં બનાવી આપી ગ્રાહકે જ્યારે પૈસાની માંગણી કરતાં ત્રણેય જણાએ ગ્રાહકને મારી નાંખવાની ધમકીઓ આપી હોવાનું જાણવા મળે છે જ્યારે ગ્રાહકને બેન્કનું લોનનું વ્યાજ મળી આર્થિક રીતે રૂા.૧૫ લાખનું નુકસાન પહોંચાડતાં અને ગ્રાહક પાસેથી પૈસા પડાવી લેતાં આ સમગ્ર મામલે દાહોદ શહેર પોલીસ મથકે પહોંચ્યો છે અને જ્યાં ત્રણેય કોન્ટ્રાક્ટરો વિરૂધ્ધ ગુનો દાખલ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજેશભાઈ કૃષ્ણકાંત ગાંધી (કોન્ટ્રાક્ટર) ભારતીબેન વલ્લભભાઈ દેસાઈ અને નિલમ રાજેશભાઈ ગાંધી (કોન્ટ્રાક્ટર) નાઓએ પોતાની નિર્માણ રીયાલીટી નામની ભાગીદારી પેઢી દ્વારા દાહોદ શહેરમાં આવેલ ઝાલોદ રોડ ઉસરવાણ સાયન્સ કોલેજની બાજુમાં રે.સ.નં.૮૧ પૈકી ૧૦ વાળી જમીનમાં સંગાથ નામનું એપાર્ટમેન્ટ બનાવવા હોઈ દાહોદ તાલુકાના રાબડાળ ગામે જી.ઈ.બી.કોલોનીમાં રહેતાં ભરતસીંગભાઈ નાથુસીંગભાઈ નીનામાને આ સંગાથ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નંબર ૩૦૪નો વેચાણ આપવા જણાવી ખોટા વેચાણ દસ્તાવેજ કરી આપ્યાં હતાં.
ભરતસીંગભાઈ પાસેથી બાનાખત પેટે પ્રથમ રૂા.૫૧,૦૦૦ તથા બીજા રોકડા ૨ લાખ તથા ૧ લાખ તેમજ બેંકર ચેકથી ૫ લાખ એમ કુલ મળી રૂા.૮,૫૧,૦૦૦ તારીખ ૨૫.૦૩.૨૦૧૪ થી તારીખ ૦૬.૦૨.૨૦૨૦ના સમયગાળા દરમ્યાન ઉપરોક્ત ત્રણેય જણાએ લઈ લીધાં હતાં. આ બાદ આજદિન સુધી ફ્લેટ નહીં બનાવી ફ્લેટનો કબજાે ભરતસીંગભાઈને નહીં સોપી ભરતસીંગભાઈને મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં હતાં ભરતસીંગભાઈને ખોટા સમજુતી કરારો કરી આપી મંડાવાવ રોડ ખાતે આવેલ ઓમકાર ખાતે ફ્લેટ નંબર ૩૦૧નું ભાડુ ન લેવાની શરતે ભરતસીંગભાઈને ફ્લેટ આપવા જણાવ્યું હતું. આમ, બેન્ક લોનનું વ્યાજ મળી ભરતસીંગભાઈને આર્થિક કુલ રૂા.૧૫ લાખનું નુકસાન કરતાં અને બાકીના પૈસા બળજબરીપુર્વક પડાવી લીધાં હોવાની ફરિયાદ લઈ ભરતસીંગભાઈ નાથુસીંગભાઈ નીનામા દાહોદ શહેર પોલીસ મથકે પહોંચ્યાં હતાં જ્યાં તેઓએ રાજેશભાઈ કૃષ્ણકાંત ગાંધી ભારતીબેન વલ્લભભાઈ દેસાઈ અને નિલમ રાજેશભાઈ ગાંધી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.