કોરોનાવાયરસના રોગચાળાના નિયંત્રણો વચ્ચે જ્યારે વિશ્વભરનો હવાઇ પ્રવાસ ઉદ્યોગ મુશ્કેલીમાં ચાલી રહ્યો છે તેવા સમયે વધારાની આવક ઉભી કરવા જાપાનની ઓલ નિપ્પોન એરવેઝે એક નવો નુસ્ખો અજમાવ્યો છે અને આ નુસ્ખો ઘણો સફળ રહેલો જણાય છે.
એએનએ એરલાઇન દ્વારા તેના પાર્ક કરાયેલા એરોપ્લેનોમાં રેસ્ટોરાંની માફક ભોજન કરવાની વ્યવસ્થા લોકો માટે ગોઠવવામાં આવી હતી. જો કે આ માટેના ચાર્જ ઘણા જ ઊંચા હતા. વિમાનના બિઝનેસ ક્લાસમાં બેસીને ભોજન કરવા માટે એક ડિશના ૨૬૯ ડૉલર(રૂ. ૧૮૮૦૦ લગભગ) તથા એક્ઝિક્યુટિવ ક્લાસ અથવા ફર્સ્ટ ક્લાસમાં ભોજન કરવા માટે ૩૯૦ ડૉલર(રૂ. ૨૭૩૦૦)નો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો! રેસ્ટોરાં વિથ વિંગ્સ નામની આ યોજના આમ તો ફક્ત બુધવારે એક દિવસ માટે જ મૂકવામાં આવી હતી, પરંતુ આટલી ઊંચી કિંમત હોવા છતાં લોકોનો ઘણો ધસારો થતા આ યોજના લંબાવવામાં આવી છે!
આમાં ભોજનમાં જાપાનનું પ્રખ્યાત ફોઇ ગ્રાસ અને વેગ્યુ બીફ સાથેનું સ્વાદિષ્ટ ભોજન ડીશમાં પીરસવામાં આવે છે. ટોકિયોના એરપોર્ટ પર પાર્ક કરેલા બોઇંગ ૭૭૭ વિમાનોમાં ભોજન કરાવવામાં આવે છે અને બોર્ડિંગ પાસ જેવી દેખાતી ટિકિટો પણ ગ્રાહકોને આપવામાં આવે છે!