પહેલા એવું માનવામાં આવતું હતું કે વિશ્વમાં મોટાભાગના લોકો મચ્છરોને કારણે થતાં રોગોથી મરે છે પરંતુ તાજેતરમાં એક અભ્યાસમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે તેનાથી આ માન્યતાનો છેદ ઉડી ગયો છે. જે અભ્યાસ થયો તેમાં એવું જાણવા મળ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ લોકો હવે ફંગલ ઈન્ફેકશનને કારણે મરે છે. વિશ્વમાં દર વર્ષે લગભગ 20 લાખ લોકોને ફંગલ ઈન્ફેકશન થાય છે અને આ વર્ષે આ આંકડો ડબલ થઈ ગયો છે. આ વર્ષે ફંગ ઇન્ફેકશનને કારણે અંદાજીત 38 લાખથી વધુ લોકોનો મોત થયા છે.
આ અભ્યાસ લેન્સેટ ચેપી રોગોમાં પ્રકાશિત થયો છે. તાજેતરમાં જ સુરતમાં એક વૃદ્ધ કબુરતને રોજ ચણ નાખવા માટે જતા હતા અને તેમને કબુતરની ચરકમાંથી ફેફસામાં ઈન્ફેકશન થઈ જતાં તેમનું મોત થયું હતું. આ ફંગલ ઇન્ફેકશનનું જ ઉદાહરણ છે. આવી ઘટનાઓ આસપાસમાં બને જ છે પરંતુ હવે તે મુદ્દે ધ્યાન આપવાની ફરજ બની ગઈ છે. લેન્સેટમાં જે અભ્યાસ રજૂ કરવામાં આવ્યો તે અભ્યાસમાં ભારત દેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આશરે 80 દેશમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ માટે વિશ્વમાંથી 300 જેટલા પ્રોફેશનલ્સનો સહકાર લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ અભ્યાસ પુરો કરવામાં આવ્યો હતો. બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ચેપી રોગોના વિભાગના પ્રોફેસર ડેવિડ ડેનિંગના કહેવા પ્રમાણે, ફંગલ ઇન્ફેકશનના કારણે મૃત્યુ વિશેની આગાહી કરવી મુશ્કેલ છે. પરંતુ ફંગલ ઇન્ફેકશનને કારણે એઈડ્સ તેમજ લ્યુકેમિયા જેવા રોગોના વિકારો વધે છે અને આવી સ્થિતિમાં મૃત્યુનું જોખમ વધી
જાય છે.
વિશ્વમાં બીમારીને કારણે જેટલા મોત થયા તેમાં 25.5 લાખ એટલે કે 68 ટકા મોત માત્ર ફંગલ ઈન્ફેકશનને કારણે જ થયા છે. જ્યારે અન્ય 12 લાખ લોકોના મોત એટલે કે બાકીના 32 ટકા લોકોના મોતની પાછળ અન્ય રોગો જવાબદાર હતા. શ્વસન સંબંધી ગંભીર બીમારીઓને કારણે થયેલા 32.3 લાખ મોતમાંથી ત્રીજા ભાગના મોત એસ્પરગિલસ ફંગલ ઈન્ફેકશનને કારણે થયા છે. ફંગલ ઈન્ફેકશનને કારણે એટલા માટે લોકો મોતની નજીક પહોંચી જાય છે કે ઘણી વખત ડોકટર પણ ઓળખી નથી શકતા કે આ ફંગલ ઈન્ફેકશન છે અને જેને કારણે દર્દીની સારવારમાં મોડું થઈ જાય છે અને તેનું મોત થાય છે.
સંશોધકોએ જણાવ્યું છે કે, ફંગલ ઈન્ફેકશનને કારણે થતા મોત અન્ય કોઈપણ રોગકારણ જીવાણુથી થતાં મોત કરતાં વધારે છે. ફંગલ ઈન્ફેકશનને કારણે મેલેરિયા કરતાં 6 ગણા વધુ મોત અને ટીબી કરતાં 3 ગણા વધુ મોત થાય છે. સૌથી વધુ જીવલેણ ફંગલ એસ્પરગિલસ, ફ્યુમિગેટસ અને એસ્પરગિલસ ફ્લેવસ છે. જે ફેફસામાં ચેપ ફેલાવે છે અને મોતનું કારણ બને છે. આ પ્રકારના અસરગ્રસ્ત લોકોમાં અસ્થમા, ટીબી અને ફેફસાના કેન્સર જોવા રોગો મુખ્ય છે. જેને કારણે હવે ખાસ એ ધ્યાન રાખવાની જરૂરીયાત ઉભી થઈ છે કે ફંગલ ઈન્ફેકશન થાય નહીં તેવા પ્રયાસો કરવામાં આવે. ઘણી વખત ગંદકીને કારણે પણ ફંગલ ઈન્ફેકશન થવાની ભીતિ રહેલી છે.
ફંગલ ઈન્ફેકશન સામાન્ય રીતે ફુગને કારણે થાય છે. ઉનાળામાં શરીર પર થતો પરસેવો ફંગલ ઈન્ફેકશન કરાવે છે. તો ચોમાસામાં પણ ફંગલ ઈન્ફેકશનના કેસ વધતાં જોવા મળે છે. ફંગલ ઈન્ફેકશન ભારે ચેપી હોય છે. આ કારણે જ જેને ફંગલ ઈન્ફેકશન થયું હોય તેના સંપર્કમાં રહેવું જોખમી છે. આવા ઈન્ફેકશનવાળી વ્યક્તિની વસ્તુઓ વાપરવાથી પણ ફંગલ ઈન્ફેકશન થવાનું ભારે જોખમ રહેલું છે. લોકો હાઈજેનિક રહેતા નહીં હોવાને કારણે પણ ફંગલ ઈન્ફેકશન વકરે છે. ભારતમાં પહેલા ફંગલ ઈન્ફેકશનને સામાન્ય ગણવામાં આવતું હતું પરંતુ જે રીતે આ ઈન્ફેકશન ફેલાઈ રહ્યું છે તેને કારણે હવે તેને રોગચાળાની કેટેગરીમાં ગણવામાં આવી રહ્યું છે.
જ્યાં સતત પાણી લાગેલું રહે અથવા જ્યાં ભેજ રહે તેવી જગ્યાએ પણ ફંગલ ઈન્ફેકશન થાય છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં આશરે 6 કરોડથી પણ વધુ લોકો ફંગલ ઈન્ફેકશનથી પિડાય રહ્યા છે. તેમાં 2.4 કરોડ મહિલાઓ વજાઈનલ ફંગલ ઈન્ફેકશનથી પિડાઈ રહી છે. જ્યારે 17.38 લાખથી વધુ લોકોને ક્રોનિક એસ્પરગિલોસિસની સમસ્યા છે. જે શ્વસનતંત્રને અસર કરે છે. 32 લાખ લોકો ફેફસાંની એલર્જિક સમસ્યાથી પિડાઈ રહ્યા છે. 2.5 લાખ લોકો લંગ્સ અને સાયનસના ફંગલ ઈન્ફેકશનથી પિડાઈ રહ્યા છે. આ બીમારીમાં મોતનું જોખમ સૌથી વધુ છે. જ્યારે 10 લાખ લોકો ફંગલ આઈ ડિસીઝથી ગ્રસ્ત છે. જેને કારણે અંધાપો આવવાની પણ સંભાવના રહેલી છે.
ફંગલ ઈન્ફેકશનમાં શરીરના તે ભાગને ખંજવાળવાથી મજા પણ આવતી હોવાને કારણે ઘણી વખત દર્દીને એ ખ્યાલ જ રહેતો નથી કે તે ઈલાજ કરી રહ્યો છે કે પોતાના રોગને વધુ વકરાવી રહ્યો છે. આ કારણે જ થોડા સમયમાં આ રોગ વધુ વકરી જાય છે અને ઘણી વખત તો એવું થાય છે કે ફંગલ ઈન્ફેકશનને કોઈ દવા પણ કાબુ કરી શકતી નથી. ફંગલ ઈન્ફેકશન ધીમું ઝેર સમાન છે. જેને કારણે લોકો તેની પ્રત્યે બેદરકાર રહે છે. મોટાભાગે મશરુમ કે પછી યીસ્ટની ફુગને કારણે ફંગલ ઈન્ફેકશન થતું હોવાથી તેનાથી બચવા માટેનો સૌથી મોટો ઈલાજ સ્વચ્છતા છે. આસપાસના વિસ્તારની સાથે શરીરને જો સ્વચ્છ રાખવામાં આવે તો ફંગલ ઈન્ફેકશનથી મોટાભાગે બચી શકાય છે. ખાસ કરીને જ્યાં પક્ષીઓ હોય તેવા સ્થળની નજીક વારંવાર જવું જોઈએ નહીં. ફંગલ ઈન્ફેકશન એવી બીમારી છે કે જેનાથી બચવાનું જે તે વ્યક્તિના હાથમાં જ છે. જો તે વ્યક્તિ પોતાની કાળજી રાખશે તો જ બચી શકશે તે નક્કી છે.