Gujarat

5 દિવસમાં એકલા દ્વારકામાં 38 ઈંચ વરસાદ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ખંભાળિયા જામનગરનું હવાઈ નિરીક્ષણ

ગાંધીનગર: કચ્છ પર રહેલી ડિપ ડિપ્રેશનની સિસ્ટમની અસર હેઠળ એકલા દ્વારકામાં છેલ્લાં પાંચ દિવસની અંદર 35 ઈંચ જેટલો વરાસદ થયો હોવાની વિગતો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલને દ્વારકા ખાતે આપવામાં આવી હતી. દ્વારકા તથા જામનગરમાં ઊભી થયેલી પૂરની સ્થિતિની જાત માહિતી મેળવવા આજે બપોર પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ હવાઈ માર્ગે દ્વારકા તથા જામનગર પહોંચ્યા હતા. તેમણે બન્ને જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે બપોર પછી ખંભાળિયાના અસરગ્રસ્ત રામનગર અને કણઝાર ચેકપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈને લોકોના ખબર અંતર પૂછ્યા હતા તેમજ અસરગ્રસ્તોને અપાઈ રહેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં દ્વારકા કલેક્ટર કચેરી ખાતે આ સમીક્ષા બેઠક યોજીને જિલ્લામાં થયેલા નુકસાન, લોકોના સ્થળાંતર, રેસ્ક્યુ સહિતની તલસ્પર્શી વિગતો મેળવી હતી.

કલેકટર સહિત સિનિયર અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણું સંપૂર્ણ ફોકસ હવે જનજીવનને ઝડપભેર પૂર્વવત કરવા અને લોકોને નુકસાનમાંથી બેઠા કરવામાં સહાયરૂપ થવા માટે હોવું જોઈએ. માટે વરસાદ અટકે એટલે બનતી ત્વરાએ નુકસાનીનો પ્રાથમિક સરવે હાથ ધરવા સહિતની બાબતો આયોજનબદ્ધ રીતે ઉપાડવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું.

જામનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ઊભી થયેલ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ એરપોર્ટ મિટિંગ હોલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો જે પ્રશ્ન છે ત્યાં કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવા સૂચનો કર્યા હતા. બેઠકમાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી નુકશાનીનો સર્વે કરવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. જામનગરથી પરત આવીને સીએમ ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા રવાના થયા હતા.

Most Popular

To Top