SURAT

સુરતમાં તોડ કરવાના 38 ગુનાઓ દાખલ થયા અને 44 આરટીઆઇ એક્ટિવિસ્ટની ધરપકડ કરાઈ

ગાંધીનગર : સુરતમાં આરટીઆઈ કાયદા હેઠળ અરજી કરીને તેમાં તોડ કરવાની પ્રવૃત્તિનો મુદ્દો આજે ગુજરાત વિધાનસભામાં ગાજ્યો હતો. જેમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી એવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે આરટીઆઈ હેઠળ અરજી કરીને સરકારના અધિકારીઓને તથા પ્રજાજનોને બ્લેક મેઈલ કરનારા તત્વો હવે ગુજરાત છોડવુ પડશે, અથવા તો પોલીસ તેઓની ધરપકડ કરીને જેલ ભેગા કરશે તેવી તૈયારી ચાલી રહી છે.

સંઘવીએ ગૃહમાં સુરતના ભાજપના સભ્ય અરવવિંદ રાણા, અલ્પેશ ઠાકોર અને ઉદય કાનગડ સહિતના સભ્યો દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કહ્યું હતુ કે, આરટીઆઈ હેઠળ અરજીઓ કરીને તોડ કરનારા લોકોની એક યાદી તૈયાર થઇ રહી છે, જેના પગલે એસીબી પૂરેપૂરી આખરી ચકાસણી કરીને તોડ કરનાર તત્વો સામે પગલા લેશે. એટલે જે લોકો આરટીઆઈની આડમાં તોડ કરી રહ્યાં છે તે લોકો ક્યાં તો ગુજરાત છોડીને જતાં રહે અથવા તો જેલ ભેગા થવાની તૈયારી રાખે.
સુરતમાં આરટીઆઈ હેઠળ તોડ થઈ રહ્યો હોવાને મુદ્દો ઉપસ્થિત કરીને સરકારના ભાજપના સભ્ય અરવિંદ રાણાએ સરકારના નિવેદનની રજૂઆત કરી હતી. જેના જવાબમાં સંઘવીએ કહ્યું હતું કે સુરતમાં આરટીઆઈ હેઠળ અરજીઓ કરીને માહિતી એકત્ર કરીને તોડ કરનારા સામે જુદા જુદા 38 ગુનાઓ નોંધાયા છે. જેમાં 44 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એક પેટા પ્રશ્નના જવાબમાં સંઘવીએ કહ્યું હતું કે આર.ટી.આઈનો પવિત્ર કાયદો અમલમાં છે, ત્યારે આ કાયદાનો દુરૂપયોગ કરનાર તોડબાજ તત્વોની સામે ગુજરાત પોલીસે રાજ્યભરમાં કુલ ૬૭ ગુનાઓ દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરી છે, જે એક શરૂઆત છે. આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ સખતાઇપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાનો દુરૂપયોગ બિલકુલ ચલાવી લેવાશે નહીં. “સુધરી જાવ અથવા જેલમાં જાવ”ની કડક ચેતવણી ગૃહ રાજ્ય મંત્રીએ વિધાનસભા ગૃહમાંથી રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને આપી છે.

ગૃહ રાજય મંત્રીએ સુરત શહેરમાં બનેલા આવા બનાવો અંગે કહ્યું હતું કે સુરત શહેરમાં અમુક લેભાગુ તત્વો દ્વારા RTI એક્ટિવિસ્ટ તથા યુ-ટ્યુબર તરીકે RTI એક્ટ હેઠળ ખોટી-ખોટી અરજીઓ કરી ખોટા સમાચાર છાપી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓને બદનામ કરી ખોટી રીતે હેરાન પરેશાન કરી તેમની પાસેથી બળજબરીથી પૈસા પડાવતા હોવા અંગેની રજૂઆત પોલીસ કમિશનરને સંકલન બેઠકમાં મળી હતી. જે અંતર્ગત એસ.ઓ.જી.ને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી આવી રીતે હેરાન પરેશાન થયેલા લોકોને પોલીસ સમક્ષ ફરિયાદ આપવા અપીલ કરવામાં આવી હતી. સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આર.ટી.આઇ.ની આડ નાણાં પડાવવા અંગેના કુલ-૨૪ ગુનાઓ તેમજ ન્યુઝમાં છાપવાની તેમજ અન્ય રીતે દાબ દબાણ આપી બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી નાણાં પડાવવા અંગેના કુલ–૧૭ ગુનાઓ એમ ૫૦ આરોપીઓ સામે કુલ-૪૧ ગુનાઓ દાખલ થયા છે.

આરટીઆઇ એક્ટિવિસ્ટના જુદા જુદા કિસ્સા
(1) મુસ્લિમ આરટીઆઇ એક્ટિવિસ્ટ મસ્જિદના કારોબારની વિગતો એકત્ર કરીને તોડ કરતાં ઝડપાયો છે
(2) એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તો સુરત મનપાની એક મહિલા કર્મચારીને બ્લેકમેઈલ કરતો હતો
(3) એક તોડબાજ સરકારી ઓફિસમાં ફરીને મહિલા કર્મચારીઓની તસ્વીરો ખેંચી તોડ કરતો હતો

Most Popular

To Top