Vadodara

36મી નેશનલ ગેમ્સ : 174 જિમ્નાસ્ટિક્સ વડોદરાના મહેમાન

વડોદરા: નવરાત્રિનું પર્વ વડોદરા માટે મહેમાન ગતિનું પર્વ બની રહે છે કારણ કે વડોદરાના શાનદાર અને જાનદાર ગરબા જોવા અને ગાવા લગભગ પ્રત્યેક ઘરમાં દેશ અને વિદેશમાંથી અતિથીઓનું આગમન થાય છે. વળી, આ વખતે નવરાત્રીની સાથે ખેલોના મહા પર્વ 36 મી નેશનલ ગેમ્સનો સમાવેશ થયો છે અને તેના હેઠળ જીમ્નાસ્ટીકની સ્પર્ધાઓ શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આજથી શરૂ થવાની છે.જેના પગલે દેશના રાજ્યો અને સંઘ પ્રદેશોમાંથી 174 જેટલા જિમ્નાસ્ટ આજથી વડોદરાના મહેમાન બન્યા છે. આટલા રમતવીરો એકસામટા શહેરના મહેમાન બને એ બહુ જૂજ બનતી ઘટના છે. આ ઉપરાંત ભારતીય સેનાના સર્વિસિસ સ્પોર્ટ્સ સેન્ટર અને બોર્ડના ખેલાડીઓનો પણ મહેમાનોમાં સમાવેશ થાય છે.

એટલે કે સેનાના રમતવીરો પણ સાંસ્કૃતિક નગરીની મહેમાનગતિ માનવામાં જોડાયા છે.આંધ્ર પ્રદેશ, આસામ, ગોઆ, હરિયાણા,કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર,મણિપુર, ઓરિસ્સા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન અને ગૃહ રાજ્ય ગુજરાતના ખેલાડીઓના સુવિધાજનક રોકાણ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,વડોદરા મહાનગર પાલિકા,જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહયોગી સંસ્થાઓની મદદથી વ્યવસ્થા કરવાંમાં આવી છે.આ ખેલાડીઓ એ આજે હરીફાઈ પહેલા જરૂરી પ્રેક્ટિસ પણ સાનુકૂળ વાતાવરણ અને ઉમદા સુવિધાઓ વચ્ચે કરી હતી.

રમતવીરોની કાળજી લેવા માટે બે શિફ્ટમાં મેડિકલની ટીમો તહેનાત રહેશે
જીમનાસ્ટિક એ ઇજાના જોખમ વાળી રમત છે.તેને ધ્યાનમાં રાખીને 36 મી નેશનલ ગેમ્સ ની જીમ્નાસ્ટીકની સ્પર્ધાઓ માં ભાગ લેવા આવેલા 174 જેટલા ખેલાડીઓના આરોગ્યની કાળજી લેવા અને ઇજાના સંજોગોમાં તાત્કાલિક સ્થળ પર અને જરૂર પ્રમાણે હોસ્પિટલમાં નિષ્ણાત સારવાર ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર અને સાઈ ના માર્ગદર્શન હેઠળ જરૂરી વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા આ તમામ વ્યવસ્થાઓનું સુચારુ સંકલન કરવામાં આવી રહ્યું છે તેમ આરોગ્યના નોડલ અને વમપાના તબીબી અધિકારી ડો.સ્મિતા વસાવાએ જણાવ્યું હતું.તેમણે બે શિફ્ટ એટલે કે પાળીમાં સ્પર્ધા રમાય તે સમગ્ર સમય દરમિયાન મેડિકલ ટીમ સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઉપલબ્ધ રહેશે.

Most Popular

To Top